પાંચ લાખ રત્ન કલાકારોની રોજી ઉપર તવાઈ

શનિવાર, 11 જુલાઈ 2015 (17:34 IST)
હીરા ઉદ્યોગમાં હાલમાં છેલ્લા કેટલાક અરસાથી મંદિ પ્રવર્તી રહી હોવાના પગલે રત્ન કલાકારોને છુટા કરાતા હોવાની હજારો ફરિયાદો સામે અાવી છે. ખાસ કરીને અમદાવાદના ૬૪ હજારથી વધુ અને અંદાજે રાજ્યભરના પાંચ લાખથી  વધુ રત્ન કલાકારોની રોજી ઉપર તવાઈ અાવવાની શરૂ થઈ છે.

અમદાવાદ, સૌરાષ્ટ્રમાં કુલ ૮૦૦૦થી વધુ યુનિટો અાવેલા છે. જેમાં મુંબઈ પોલિશ્ડ ડાયમન્ડનું ટ્રેડિંગ થાય છે. અા વિસ્તારોમાં બેથી ચાર ઘંટીવાળા હજારો કારખાના છે, જેમાં રફ ડાયમન્ડના પોલિશિંગનું કામ થાય છે. સુરતનાં યુનિટોના રફ પોલિશિંગમાં મંદીના પગલે તેની ઘેરી અસર અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના યુનિટો ઉપર પણ પડી છે.
ચોમાસાની સિઝનમાં અા રત્ન કલાકારો સૌરાષ્ટ્ર તરફ વતનમાં ખેતી માટે જાય છે. પરંતુ તાજેતરમાં થયેલા ૧૮થી ૨૮ ઈંચ વરસાદે જમીનો ધોઈ નાખી હોવાથી તેમની ચિંતા બેવડાઈ છે. સૌથી વધુ નુકસાન અમરેલીમાં થવાના પગલે અમરેલી ડિસ્ટ્રી. ડાયમંડ એસો.ના લલિતભાઈ ઠુમરે હીરા ઉદ્યોગની મંદી હજારો કારીગરની રોજી છીનવવા સાથે કુદરતી મારે વધુ મુશ્કેલીમાં મુકયા હોવાનું જણાવ્યું હતું. 
૮ જુલાઈના રોજ હીરાનાં મુખ્ય સંગઠનોની બેઠક યોજાઈ હતી જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી મુંબઈ ડાયમંડ એસોસિએશન સહિત ૨૦૦ વેપારી હાજર રહ્યા હતા જેમાં હીરા ઉદ્યોગની સમસ્યા અને રત્ન કલાકારોના હિતમાં શું નિર્ણય લેવો તેની એક કમિટી બનાવાઈ છે. જે એક મહિના બાદ સામેલ નિર્ણય લેશે.
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અમદાવાદના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયાઅે જણાવ્યું હતું કે રત્ન કલાકારોના હિતમાં હાલ પૂરતો કમિટીનો રિપોર્ટ ન અાવે ત્યાં સુધી કારખાના બંધ ન કરવાનો નિર્ણય લેવાયો છે. બહુ મુશ્કેલી હશે તો કારખાના કામકાજના કલાકો અોછા કરીને પણ રત્ન કલાકારોની રોજીરોટી ચાલુ રખાશે.

વેબદુનિયા પર વાંચો