પહેલી માર્ચથી ટ્રેનોમાં રેડી ટુ ઇટ બ્રાન્ડેડ ભોજન મળશે

શનિવાર, 31 જાન્યુઆરી 2015 (12:25 IST)
રેલવેમાં ૧ માર્ચ ૨૦૧૫ સુધીમાં તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં બ્રાન્ડેડે પ્રિ-કુક્ડ રેડી ટુ ઇટ યોજના અંતર્ગત મુસાફરોને ગુણવત્તાયુક્ત  અને સ્વચ્છ ભોજન આપવાનો રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે.ટ્રેનોમાં  ખોરાક સારો ન હોવા ઉપરાંત વધુ કિંમત વસુલાતી હોવાની વ્યાપક  ફરિયાદોને ધ્યાને લઇને રેલવે બજેટમાં આ યોજના શરૃ કરવાની  જાહેરાત કરાઇ હતી.જે અંગેનો પરિપત્ર બહાર પાડીને મુસાફરોને તેમની  પસંદગીનું સારૃ અને સસ્તું ભોજન આપવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ  છે.

હવે ટ્રેનોમાં મુસાફરોને સારુ ભોજન પેકિંગમાં જ મળી રહે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.રેલવેની તમામ ઝોનલ કચેરીઓને આ અંગેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.જે માટે પેન્ટીકારને જરૃરી લાઇસન્સ પણ ઇસ્યું કરવામાં આવનાર છે.દરેક ટ્રેનોમાં અલગથી રેડી ટુ ઇટ (RTE)અંગેનું મેનું કાર્ડ રાખવુ પડશે.જેમાં ભોજનની દરેક વસ્તુનાં નામ, તેનું વજન અને કિંમત ફરજીયાત લખવી પડશે.આ ઉપરાંત તેમણે ગ્રાહકોને નાશ કરી શકાય તેવા ટ્રે, પ્લેટ, ચમચી અને નેપકીન પણ અલગથી આપવા પડશે.આ અંગે તમામ ઝોનલ કચેરીઓએ જ નિયમિત ચેકિંગ અને ઇન્સપેક્શન કરવાનું રહેશે.ગ્રાહકોની ફરિયાદો અને તેમના ફિડબેક લેવા પડશે.અને ગ્રાહકોને સારી સેવા મળે છે કે કેમ તે પણ જોવાનું રહેશે.ખરાબ સેવા માટે પેન્ટ્રીકાર અને કેટરીંગનું લાઇસન્સ રદ કરીને તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે.આ યોજના ૧-૩-૨૦૧૫ સુધીમાં શરૃ કરી દેવાય તે પ્રમાણેનું આયોજન કરવાની પણ સુચના આપી દેવાઇ છે.

વેબદુનિયા પર વાંચો