પંજાબમાં કપાસનો પાક નષ્ટ થતા 15 ખેડૂતોનો આપધાત

શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (10:47 IST)

પંજાબમાં સફેદ માખીઓના હુમલાએ કપાસનો સોથ બોલાવી દીધો છે અને બે તૃતીયાંશથી વધુ પાક બરબાદ થતા ખેડુતોને લગભગ ૪ર૦૦ કરોડનું નુકસાન થયુ છે. આ સંકટમાં ઘેરાયેલા રાજયના લગભગ ૧પ કપાસ પકવતા ખેડુતોએ આત્‍મહત્‍યા કરી લીધી છે.
 

   જાણવા મળે છે કે, ખેડુતો કીટનાશક વગેરે ખરીદી કપાસના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મોટાભાગના ડિલરો નકલી કિટનાશક વેચીને ખેડુતોને વધુ ચુનો ચોપડી રહ્યા છે. આ મુશ્‍કેલીના સમયમાં રાજયના ખેડુતો રોડ અને રેલ્‍વે માર્ગને ચક્કાજામ કરી વિરોધ વ્‍યકત કરી રહ્યા છે. અકાલીદળના નેતૃત્‍વવાળી એનડીએ સરકારે ખેડુતો માટે ૬૪૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ છે પરંતુ ખેડુતોએ તે અપુરતુ હોવાનું ગણાવી નકારી કાઢયુ છે.

   રાજય ભટીંડા જિલ્લાના સીન્‍ધો ગામના કીટનાશક ડિલર નરેશ લહરી કહે છે કે, સફેદ માખીઓનો હુમલો એવો જ છે કે જેઓ પર્લ હાર્બર ફિલ્‍મમાં જાપાની હવાઇ હુમલો થાય છે. હવે આ માખીઓ દેખાતી નથી પરંતુ એક જ હુમલામાં તેઓએ પાક બરબાદ કરી નાખ્‍યો છે.
 

   આ વર્ષે પંજાબમાં લગભગ ૧ર લાખ એકરમાં કપાસનું ઉત્‍પાદન થયુ છે અને આ બધો શ્રેષ્‍ઠ બીટી કોટન જ છે. આ બીટી કોટન પેસ્‍ટીસાઇડથી સુરક્ષિત ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાજયમાં સફેદ માખીના હુમલા વધ્‍યા છે. તેને કેટલીક ખાસ કીટનાશકોના સ્‍પ્રેથી અટકાવી શકાય છે. રાજય સરકારે આ માટે એક કિટનાશક સબસીડીવાળા ભાવે ખેડુતો આપ્‍યા પરંતુ તેના ઉપર કોઇ અસર થઇ નહી.
 

   કેટલાક ખેડુતોનું કહેવુ છે કે, કપાસના પાક પર દર વર્ષે હુમલો થતો હોય છે પરંતુ આ વખતે સંખ્‍યા વધુ હતી. વરસાદની અછતને કારણે સફેદ માખીઓ વધુ બળવાન બની છે. સીન્‍ધોના ખેડુત કહે છે કે, જુલાઇથી અત્‍યાર સુધી અમે ૧૦ થી ૧ર વખત સ્‍પ્રે કર્યો છે. એક સ્‍પ્રે પર ૩૩૦૦ રૂ.નો ખર્ચ થાય છે પરંતુ તેની કોઇ અસર થઇ નથી. લોકોને ડર છે કે આ સફેદ માખીઓ કપાસ ઉપરાંત બીજા પાકને પણ નિશાના ઉપર લ્‍યે તેવી શકયતા છે

વેબદુનિયા પર વાંચો