દેશમાં કેળાના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન!, અન્ય ફળોમાં ત્રીજા નંબરે

સોમવાર, 6 એપ્રિલ 2015 (15:56 IST)
ગુજરાતે ૮૪.૧૩ લાખ ટન ફળ ફળાદિનાં ઉત્પાદન સાથે દેશમાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યું છે જેમાં કેળાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે રહ્યું છે.

રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા ફળફળાદિનાં ઉત્પાદનમાં ચોથા સ્થાને રહેલું ગુજરાત હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. દેશમાં આંધ્ર પ્રદેશ-મહારાષ્ટ્ર બાદ ગુજરાતે ત્રીજુ સ્થાન હાંસલ કર્યું છે. ફળફળાદિ ઉત્પાદનના મામલામાં દેશમાં આંધ્ર પ્રદેશમાં ૧૩૯.૩૯ લાખ ટનનાં ઉત્પાદન સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે મહારાષ્ટ્ર ૯૭.૮૫ લાખ ટનના ફળફળાદી ઉત્પાદન સાથે બીજા સ્થાન પર છે તથા ગુજરાત ૮૪.૧૩ લાખ ટનનાં ફળફળાદી ઉત્પાદન સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. જ્યારે તામિલનાડુ ચોથા ક્રમે, કર્ણાટક પાંચમા ક્રમે છે.

રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં ૩૯ ટકા ફળફળાદિ ઉત્પાદનનો હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૨-૧૩માં ફળફળાદિ ઉત્પાદનમાં ૧૧ ટકાનો વધારો થયો હતો. દેશમાં કેળાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. જોકે કેરીના ઉત્પાદનનાં મામલે ગુજરાત સાતમા ક્રમે ધકેલાઈ ગયું છે. ગુજરાતમાં ૩.૮૨ લાખ હેક્ટરમાં ફળ-ફળાદીનું વાવેતર કરાયેલું છે. જ્યારે શા-ભાજીનું વાવેતર વધ્યું છે તથા ડુંગળી અને બટાકાના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જોકે સૌરાષ્ટ્રમાં અને કાસ કરીને તાલાલા ગીર પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન સતત ઘટતું જતું હોવાથી અને દર વર્ષે ખેડૂતોને મહેનત માથે પડતી હોવાથી ખેડૂતો આંબાવાડી કઢાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો