દિવાળી માટે એટીએમમાંથી કડકડતી નોટો નીકળશે

મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:34 IST)
દિવાળી આવતાં જ કડકડતી નોટો માટે દરેક વ્‍યક્‍તિ બેંકમાં જતી હોય છે. આ તહેવારમાં શ્રી અને સંપત્તિના પૂજન અને અર્ચનનું વિશેષ મહત્ત્વ હોય છે. એટલું જ નહીં તહેવારને અનુલક્ષીને વ્‍યવહારમાં આપ-લે માટે પણ નવી નોટોનું ચલણ વધુ હોય છે. તેથી કડકડતી નોટોની માંગ વધી જાય છે. જેને ધ્‍યાનમાં રાખીને હાલ કેટલીક બેંકોએ તેમના એટીએમમાં રૂ. ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ની કડકડતી નોટો મૂકવાનું શરૂ કરી દીધું છે. તે સિવાય રૂ. ૧૦, ૨૦ અને ૫૦ ના બંડલ પણ આગામી દિવસોમાં બેંક પરથી રૂબરૂ આપવામાં આવશે.

   દિવાળીમાં મા લક્ષ્મીની કૃપા સૌ પર વરસે એવી કામના કરવામાં આવે છે. પરંતુ ખરેખર લક્ષ્મી એટલે કે રૂપિયા મેળવવા દિવાળીમાં બેંકોમાં ધસારો વિશેષ રૂપે વધી જતો હોય છે. દિવાળીના તહેવાર પહેલાં જાહેર અને ખાનગી ક્ષેત્રોની બેંકોએ પોતાના ગ્રાહકો માટે નવી કડકડતી નોટો એટીએમમાં મૂકવાની શરૂ કરી છે. જેથી તેઓ તહેવાર પહેલાં પોતાની જરૂર પ્રમાણે કડકડતી નોટો મેળવી શકે. જો કે, એટીએમમાં માત્ર રૂ. ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ની નોટો નીકળતી હોવાથી અનેક લોકો બેંક પરથી રૂબરૂ અન્‍ય નોટો લેવા પણ પહોંચી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો