ચાલો સર્વે કરી નાખીએ!, રેલ્વે સર્વે માટે વપરાતા કરોડો રુપિયા

ગુરુવાર, 10 જુલાઈ 2014 (15:53 IST)
મુંબઇ સબર્બન રેલવેના વિકાસ સહિત મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારને જોડતી નવી લાઇનના નિર્માણ તથા ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારને રેલવેથી જોડવા માટે કેન્દ્રીય રેલવે બજેટમાં કુલ દસ હજારથી વધુ કિલોમીટરના વિસ્તારને જોડી લેવામાં આવ્યા છે, જે અન્વયે પ્રિલિમનરી એન્જિનિયરિંગ અને ટ્રાફિક (પીઇટી) સર્વે હાથ ધરવામાં આવશે, એવું રેલવેના સાધનોએ જણાવ્યું હતું.

મુંબઇ રેલવેમાં પશ્ર્ચિમ રેલવેને સાંકળી લેતા લગભગ ૫૫ પ્રોજેક્ટના કુલ ચાર હજારથી વધુ કિલોમીટરના રેલવે ડબલિંગ, નવી લાઇનનું નિર્માણ, ત્રીજી-ચોથી લાઇન, ગેઝ ક્ધવર્ઝન માટે કુલ રૂ. ૧૦.૯૧ કરોડ તથા મધ્ય રેલવેમાં મુંબઇ ડિવિઝનને આવરી લેતા મહારાષ્ટ્રમાં કુલ ૪૫ પ્રોજેક્ટ માટે કુલ ૧૨.૩૬ કરોડના અપેક્ષિત ખર્ચમાં ટ્રાફિક સર્વે હાથ ધરવામાં આવશે. મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે રેલવેના મહત્ત્વાકાંક્ષી ટ્રાફિક સર્વેને વિવિધ ડિમાન્ડને આધારે હાથ ધરવામાં આવશે, જેમાં સમગ્ર પ્રોસિજર લાંબી હોવાથી સફળતા કે નિષ્ફળતાના કેટલા ચાન્સ છે એ વાત ગૌણ છે, પરંતુ લાઇન નાખવા માટે શક્યતા છે કે નહીં તેનું પરીક્ષણ કરાય છે. આમ છતાં બંને રાજ્ય માટે આટલી મોટી સંખ્યામાં ટ્રાફિક સર્વે હાથ ધરવાની બાબત સારી છે. ઉલ્લેખનીય છે કે પશ્ર્ચિમ રેલવેમાં મુંબઇ ડિવિઝનમાં ચર્ચગેટથી સીએસટીના એક કિલોમીટરમાં નવી લાઇન નાખવાના સૌથી નાના સર્વેથી લઇને ગુજરાત રાજ્યના મેગા સર્વેમાં ૨૫૯ કિલોમીટરના

રતલામ-વડોદરા માટે ત્રીજી લાઇનનું નિર્માણ તેમ જ ૨૫૨ કિ.મી.ના રાજકોટ-ઓખા વચ્ચે ડબલિંગ સહિતના કુલ ૫૫ પ્રોજેક્ટ માટે ટ્રાફિક સર્વેનો સમાવેશ કર્યો છે.

પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ આ મુદ્દે કહ્યું હતું કે ટ્રાફિક સર્વે કોઇ પણ પ્રોજેક્ટને લાવી શકાય છે કે નહીં તેના માટે આ અભ્યાસ હાથ ધરવો જરૂરી હોય છે, તેથી તેને કાગળ પરના વાઘ કહેવાનું યોગ્ય નથી. અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રમાં સહિત મુંબઇ ડિવિઝનમાં ખાસ કરીને મધ્ય રેલવેના કુલ ૪૫ પ્રોજેક્ટમાં ડબલિંગ, નવી લાઇન, ત્રીજી-ચોથી લાઇનનો ટ્રાફિક સર્વે હાથ ધરાશે. મહારાષ્ટ્રના સૌથી મહત્ત્વાકાંક્ષી કે મેગા પ્રોજેક્ટની ગણતરી કરવામાં આવે તો ૫૪૦ કિ.મી. ધરાવનારા શિરડી-શાહપુર અને સોલાપુર-જળગાંવ (૪૫૦ કિ.મી.) વચ્ચે નવી લાઇનનું નિર્માણ માટે એન્જિનિયરિંગ-ટ્રાફિક સર્વે હાથ ધરવામાં આવશે. આમ કુલ ૪૫ પ્રોજેક્ટના કુલ ૬,૦૮૧ કિલોમીટરના વિસ્તાર માટે કુલ ૧૨.૩૬ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, એવું રેલવેના સાધનોએ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો