ગુજરાતનાં શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોની તકલીફો 6 મહિના સુધી પોસ્ટપોન્ડ રહી

શુક્રવાર, 29 માર્ચ 2013 (15:15 IST)
કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય દ્વારા ભંગાવા માટે આવતા જહાજમાંથી નીકળતી પ્લેટોનો ઉપયોગ રી-રોલિંગ મિલોમાં ઉત્પાદિત થતા સળીયા માટે કરી શકાય નહીં અને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) પ્રમાણિત કરાવવાનું નોટિફિકેશન ૬ માસ સુધી લંબાવવામાં આવ્યું છે અને શિપબ્રેકિંગ અને રી-રોલિંગ મિલોને કેન્દ્ર દ્વારા ૬ માસનું જીવતદાન આપવામાં આવ્યું છે.

શિપની પ્લેટોનો ઉપયોગ રી-રોલિંગ મિલોમાં ઉત્પાદીત થતા સળીયા માટે કરી શકાય નહીં અને તમામ રી-રોલિંગ મિલોએ બીઆઇએસ પ્રમાણિત કાચા માલનો જ ઉપયોગ કરવો તેવા મતલબના કેન્દ્રના નોટિફિકેશન બાદ શિપબ્રેકિંગ અને રી-રોલિંગ મિલો દબાણ હેઠળ આવી ગયા હતા. તા.૧ એપ્રિલથી શિપબ્રેકિંગની પ્લેટો કોઇપણ સંજોગોમાં રી-રોલિંગ મિલોમાં કામ આવી શકે નહીં તેવા પ્રકારના કાયદા સામે સિહોર અને ભાવનગર રી-રોલિંગ મિલ એસોસિએશન, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટીલ મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, અને શિપની પ્લેટો વધુ મજબૂત તથા અનેક માપદંડોમાંથી પસાર થઇ અને બનાવવામાં આવતી હોવાના કારણોસર તેનો ઉપયોગ સળીયા બનાવવામાં કરવામાં આવે તો માલની ગુણવત્તા સુધરશે તેવા તર્ક રજૂ કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો