કંપનીઓ નાદાર થશે તો પણ પ્રમોટરોને લીલા લહેર

શુક્રવાર, 28 નવેમ્બર 2014 (10:30 IST)
આણંદ ખાતે ઈરમા સંસ્થામાં ઈન્ડિયન ઇકોનોમી ઉપર વક્તવ્ય આપવા આવેલા રિઝર્વ બેન્કના ગર્વનર રઘુરામ રાજને દેશમાં હાલની ક્રેડિટ પદ્ધતિ સામે સવાલો ઊઠાવ્યા હતા. તેમજ દેવાદારો સમયસર રૂપિયા ભરતા નથી તેઓ સામે નક્કર પગલાં ભરવાની હિમાયત કરી હતી.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (ઈરમા) સંસ્થા ખાતે યોજાયેલા સેમિનારમાં ઉદ્બોધન કરતા રઘુરામ રાજને જણાવ્યું હતું કે, દેશના કુલ જીડીપી ગ્રોથના ૧.૨૭ ટકા રકમ ડિફોલ્ટ થતી હોવાથી માંડવાળ કરવી પડે છે. દેશની ક્રેડિટ સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.

ક્રેડિટના કરારો થયા હોવા છતાં કરારોનું ઉલ્લંઘન કરનારા સામે ત્વરિત પગલાં લઈ શકાતા નથી. દેશની હાલની ક્રેડિટ સિસ્ટમને ગંભીરતાથી લેવાતી નથી. દેશની કંપનીઓ નાદારી નોંધાવે છે, પરંતુ તે કંપનીના પ્રમોટરો જાહોજલાલીમાં હજુ પણ રહેતા હોય છે.

દેશની બેંકોએ પણ કંપનીઓને ક્રેડિટ આપવાની સાથે તેની સમયસર ચુકવણી થાય તે દિશામાં આગળ વધવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો