એ.પી.એમ.સી.નો સોંઘવારી રથ, જત્થાબંધ ભાવે છુટક શાકભાજી વેચશે

શનિવાર, 30 ઑગસ્ટ 2014 (10:45 IST)
અમદાવાદીઓને સસ્તું શાક આપવાનું બીડુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ઝડપ્યું છે. બદલાતા સમયની સાથે બજાર સમિતિ પણ સીધી હરીફાઈમાં ઉતરવા માગે છે. જથ્થાબંધમાં એકાધિકાર પછી હવે સમિતિ જ છુટકમાં શાક વેચશે. 

અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આ સોંઘવારી રથ છે. મોંઘવારીની માર ગરીબ મધ્યમ વર્ગને જરુરીયાતો ટૂંકી કરવા પ્રેરે છે, પણ બજાર સમિતિ આ સોંઘવારી રથના માધ્યમથી સમાજના મોટા વર્ગને સસ્તુ શાક આપવા માગે છે. સમિતિએ 51 સોંઘવારી રથ શરુ કર્યા છે જેમાં છુટક શાકભાજી વેચાશે. શરુઆતમાં ડુંગળી-બટેકા અને પછી હરરોજ બે લાખ કિલો જેટલું શાક વેચવાનો સમિતિનો ટાર્ગેટ છે.

કો-ઓપરેટીવમાંથી સમિતિ હવે કોર્પોરેટ થવા જઈ રહી છે, એસી મોલ અને ઓર્ગેનિક અનાજ વેચવાનું ખેતીવાડી સમિતિનું આયોજન છે. બદલાતા સમયની સાથે એ.પી.એમ.સી પણ ઓનલાઈન શાકભાજી અને ઓર્ગેનિક અનાજ વેચવાની યોજના બનાવી રહી છે. 

મોદી સરકાર આમેય એ.પી.એમ.સીનું રાજ ખતમ કરવા માગે છે. સમિતિઓથી લાભ ખેડૂતોને ઓછો અને વચેટીયાઓને વધારે થઈ રહ્યો છે. અમદાવાદની બજાર સમિતિ પ્રોગ્રેસીવ છે જેના કારણે પોતાનું અસ્તીત્વ ટકાવવા બજારની હરિફાઈને વ્હાલી કરી છે. એ.પી.એમ.સીના આ પ્રયત્નોથી લોકોને સસ્તું શાક મળતું થાય તો સોને પે સુહાગા થઈ જાય.

વેબદુનિયા પર વાંચો