આઈસીઆઈએ બેંકના શેર તાર્યા

મંગળવાર, 31 જાન્યુઆરી 2012 (18:11 IST)
આજની પુલ-બૅક રેલિમાં આઇસીઆઇસીઆઇ બેંકના સુખદ પરિણામોનો સિંહફાળો હતો. સેન્સેક્સ-નિફ્ટી ઉપરાંત બેંક ઇન્ડેક્સમાં પણ ઊંચું વેઇટેજ ધરાવતી આઇસીઆઇસીઆઇ બેંકનો શેર આજે કામકાજ દરમિયાન વધીને રૂ. 906.4 થયો હતો અને છેલ્લે 5.8 ટકા અથવા રૂ. 50 વધીને રૂ. 902 બંધ રહ્યો હતો.

બેંકના પરિણામો બજારની અપેક્ષાથી ઊંચા સાબિત થતા આજે બીએસઈનો બેંકેક્સ 421.6 પોઇન્ટ અથવા 3.8 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ 3.5 ટકા, ઓટો ઇન્ડેક્સ 2.3 ટકા, મેટલ ઇન્ડેક્સ 2.2 ટકા, મિડકેપ 1.9 ટકા, ટેક્નોલોજી ઇન્ડેક્સ 1.8 ટકા, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.73 ટકા, આઇટી ઇન્ડેક્સ 1.5 ટકા, સ્મોલકેપ 1.4 ટકા, પાવર ઇન્ડેક્સ 1.4 ટકા, હેલ્થકેર 1.3 ટકા, પીેસયુ 1.1 ટકા, એફએમસીજી 1 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1 ટકા જેવા સુધારા સાથે બંધ રહ્યો હતો.

ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા આઇસીઆઇસીઆઇ બેંકે 31 ડિસેમ્બર 2011ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 10,483.7 કરોડની કુલ આવક નોંધાવી છે, જે ડિસેમ્બર 2010 ત્રિમાસિક ગાળાની આવકની તુલનાએ 24.1 ટકા વધારે છે.

રૂ. 1152.5 કરોડની શેરમૂડી ધરાવતી આ બેંકની નોન-પર્ફોર્મિંગ એસ્સેટ્સ (એનપીએ) 28 ટકા ઘટીને રૂ. 2,082 કરોડની થઈ છે, જે ડિસેમ્બર 2010 ત્રિમાસિક ગાળામાં રૂ. 2873 કરોડ હતી. બેંકના ધિરાણ 19 ટકા વધી રૂ. 2,46,157 કરોડના થયા છે અને કરન્ટ એન્ડ સેવિંગ એકાઉન્ટ (સીએએસએ) રેશિયો વધીને 43.6 ટકા થયો છે.

આઇસીઆઇસીઆઇ બેંકે સેન્સેક્સની સાથોસાથ બેંક ઇન્ડેક્સનો પણ મૂડ સુધારી દીધો હતો. બેંક શેરો પૈકી યુનિયન બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, યસ બેંક, એક્સિસ બેંક, આઇડીબીઆઇ બેંક, કોટક મહિંદ્રા બેંક, સ્ટેટ બેંક, કેનરા બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડા 6.5 ટકાથી લઈ 1.7 ટકાની તેજી સાથે બંધ રહેતા બીએસઈનો બેંકેક્સ 421.6 પોઇન્ટ અથવા 3.8 ટકા વધી 11391 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો