શિયાળાના આગમન સાથે જ બજારમાં લીલા શાકભાજીનો ઉપાડ વધ્યો

શનિવાર, 30 નવેમ્બર 2013 (13:05 IST)
P.R
શિયાળાના આગમન સાથે જ બજારમાં લીલા શાકભાજીનું આગમન થઈ જાય છે. બજારોમાં વિવિધ પ્રકારનાં શાકભાજી જોવા મળતા હોય છે. લીલાં શાકભાજીની સાથે સાથે હાલ મેથી તેમજ પાલકની ભાજીની માંગ વધુ રહેતી હોય છે. સાથે સાથે ઠંડીની ઋતુ તેમજ લગ્નસરાની મોસમને લઈને લારી-હોટલ તથા લગ્ન મંડપમાં મેથીના ગોટાનું ચલણ વધતા શહેર સહિત જિલ્લાભરના બજારોમાં વિવિધ પ્રકારની ભાજીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે.

જિલ્લાના વિવિધ બજારોમાં વિવિધ પ્રકારનાં શાકભાજીનું આગમન થઈ રહ્યું છે. શાકભાજી માટે શિયાળો ઘણો માફકસર હોવાથી આ ઋતુમાં ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પ્રકારનાં શાકભાજી ઉગાડતા હોય છે. જેના કારણે અન્ય ઋતુમાં ઓછા પ્રમાણમાં જોવા મળતા શાકભાજી શિયાળામાં ભરપુર અને તાજા શાકભાજી મળી રહે છે. હાલ લીલા શાકભાજીનું બજારમાં આગમન થતાં ગૃહિણીઓ માટે પસંદગીના અનેક વિકલ્પો મળી રહે છે. શિયાળામાં ભાજીનો આહાર સ્વાસ્થ્ય માટે સારો હોવાથી તેની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પ્રકારની ભાજી ઉગાડી વહેલી સવારે જથ્થાબંધ માત્રામાં મેથી, પાલક, સવા જેવી વિવિધ પ્રકારની ભાજી જિલ્લાના વિવિધ બજારોમાં વેચાણ અર્થે ઠાલવી રહ્યા છે. શિયાળાની મોસમને લઈને મેથી અને પાલકના ભજીયાની માંગ પણ વધુ રહેતી હોય છે. શહેર સહિત જિલ્લાભરમાં ભજીયાનો ભાવ લગભગ ૧૨૦ થી ૧૫૦ રૃ. પ્રતિ કિલો હોવા છતાં દિવસ દરમ્યાન હજારો કિલો ઉપરાંત મેથીના ભજીયા લોકો આરોગી જાય છે. શહેર સહિત જિલ્લાભરના વિવિધ તાલુકા મથકોની મુખ્ય શાકમાર્કેટમાં નવા લીલા શાકભાજીનું આગમન થતાં તેનો ઉપાડ પણ વધ્યો છે.

સાથે સાથે વિવિધ પ્રકારની ભાજીની માંગ વધતાં મોટા શાકમાર્કેટમાં આવતાં છુટક વેપારીઓ દ્વારા માંગ વધી છે. મોટા શાકમાર્કેટોમાં ગણતરીના કલાકોમાં જ ભાજીનો જથ્થો ખાલી થઈ જાય છે. બીજી તરફ કેટલાંક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના ગામ નજીકથી પસાર થતા હાઈવે માર્ગ નજીક શાકભાજીની સાથે સાથે મેથી-પાલકની ભાજી લઈને વેચાણ કરતાં નજરે પડે છે.

વેબદુનિયા પર વાંચો