ઇન્ટરનેટથી નાણાકીય છેતરપિંડી : ગુજરાતમાં માત્ર ૩૦ ટકા કેસ ઉકેલવામાં સફળતા
ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (15:18 IST)
નોટબંધીનો નિર્ણય જારી કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઇ-ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહન મળે તેના માટેના પગલા લેવામાં આવી રહ્યા છે. ઇ-ટ્રાન્ઝેક્શનને મહત્વ આપવાની સાથે એક કડવી વાસ્તવિક્તા એ પણ છે કે ઇન્ટરનેટથી થતી નાણાકીય છેતરપિંડીના કેસ ઉકેલવામાં ગુજરાત પોલીસને ખાસ સફળતા મળી નથી. ગુજરાત પોલીસ છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ટરનેટથી થતી નાણાકીય છેતરપિંડીના માત્ર ૩૦ ટકા કેસ ઉકેલી શકી છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ૨૦૧૪થી ૨૦૧૬ એમ ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટથી નાણાકીય છેતરપિંડીના કુલ ૧૪૬ કેસ નોંધાયા છે અને જેમાંથી માત્ર ૪૪ કેસ ઉકેલી શકવામાં સફળતા મળી છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે ઇન્ટરનેટથી થતી નાણાકીય છેતરપિંડીના મોટાભાગના કેસમાં ફરિયાદીને નાણા પણ પરત મળતા નથી. આ વર્ષે જ અત્યારસુધી નાણાકીય છેતરપિંડીના નોંધાયેલા ૪૬માંથી માત્ર ૧૬ કેસ ઉકેલી શકાયા છે.આ જે ૧૬ કેસ ઉકેલાયા છે તેમાંથી એકપણ કેસમાં ફરિયાદીને નાણા પરત મળ્યા નથી. આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે ઇન્ટરનેટથી નાણાકીય છેતરપિંડીના મોટાભાગના કેસ ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના હોય છે. જેમાં ઇન્ટરનેટથી ગુનો આચરી રહેલો ગુનેગાર વિશ્વના કોઇ પણ ખૂણે બેઠો હોય છે અને મોટાભાગના કિસ્સામાં તે બનાવટી ઓળખનો ઉપયોગ કરતો હોવાથી તેને ઝડપવો મુશ્કેલ બની જાય છે.મોટાભાગના હેકર્સ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે જ્યારે પોલીસની સાયબર ટીમ તેમાં પણ તેનાથી ઘણા ડગલા પાછળ છે. હવે ઇ-ટ્રાન્ઝેક્શનું પ્રમાણ વધ્યું છે ત્યારે ઇન્ટરનેટથી થતી નાણાકીય છેતરપિંડીથી કેવી રીતે બચવું તે અંગે એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટે જણાવ્યું કે 'કોઇ પણ અજ્ઞાત વ્યક્તિને પોતાનું ઇ-મેલ એડ્રેસ, બેંક એકાઉન્ટ નંબર જેવી વિગત આપવી જોઇએ નહીં.બેંકમાંથી ફોન આવ્યો હોય તો તે બેંક અધિકારીની રૃબરૃમાં જ મુલાકાત કરી લેવી જોઇએ. આ ઉપરાંત સમયાંતરે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડના પાસવર્ડ બદલતા રહેવાની જરૃર છે. ' એમ પણ ચર્ચાઇ રહ્યું છે કે સરકારે પહેલા સાયબર સિક્યોરિટીને સઘન બનાવવાની જરૃરી હતી પછી જ ઇ-ટ્રાન્ઝેક્શનને વેગવંતુ બનાવવું જોઇતું હતું.