નવા સીમાંકને દાટ વાળ્યો કે ચૂંટણી પંચે ગોટાળા કર્યા?

સોમવાર, 23 નવેમ્બર 2015 (16:59 IST)
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ રવિવારે સંપન્ન થઈ ચૂકી છે. સમગ્રત: ચૂંટણીઓ નીરસ રહી હતી. સરેરાશ 47થી 50 ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે પરંતુ આ વખતની ચૂંટણીમાં હજારો મતદારોના અને એમાં પણ ખાસ કરીને સરકારની સામે પડેલા મોટા ભાગના પાટીદાર મતદારોના નામ મતદારયાદીમાંથી ગુમ થયાં છે કે, લાલ સિક્કા મારીને બારોબાર કમી કરી દેવાયા છે. કોંગ્રેસે તેની સામે રીતસર ભારે ઉગ્રતા સાથે હોબાળો મચાવ્યો છે. તેમના નેતાઓએ આ સમગ્ર બાબતે રાજ્ય ચૂંટણી પંચને શંકા દાયરામાં લાવી દીધું છે. અહીં આશ્ચર્યની વાત એ સામે આવી છે કે, મતદારોના નામ યાદીમાંથી ગુમ થવા કે કમી કરી દેવાની બાબતે માત્ર કોંગ્રેસે જ હંગામો મચાવ્યો છે જ્યારે ભાજપ ભેદી રીતે મૌન સેવી રહ્યું છે. ક્યાંય આ અંગે ભાજપ્ના આગેવાનોએ રાજ્ય ચૂંટણી પંચ સામે પ્રશ્ન ઊભા કયર્િ હોવાની એકપણ ઘટના ઘટી નથી. જ્યારે બીજીબાજુ એમ પણ સમજાય છે કે, આ વખતે નવું સીમાંકન કરાયું છે. નાના વોર્ડ તોડીને મોટા કરાયા છે એટલે સ્વાભાવિક રીતે જ મતદારોના મતદાન કેન્દ્રો બદલાયા છે. તેના કારણે પણ મતદારો જ્યારે મતદાન કરવા ગયા ત્યારે તેમના જૂના મતદાન મથકો ઉપર તેમના નામ મતદાર યાદીમાં ન હતા એટલે તેમને મતદાન કરતાં રોકવામાં આવ્યા છે.
 
ગુજરાતના ઈતિહાસમાં અગાઉ ક્યારેય રાજ્ય ચૂંટણી પંચેની ભૂમિકા સામે સવાલ ઊભા કરાયા નથી પરંતુ આ વખતે તો શરૂઆતથી જ પંચે વિવાદસ્પદ નિર્ણયો લીધા છે. સામાન્ય રીતે ઓકટોબર માસના મધ્યમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓ, 56 નગરપાલિકાઓ, 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજવાની થતી હતી. જો તે મુજબ ન થાય તો કાનૂની પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ સર્જાવાની હતી છતાં પાટીદારોના આંદોલનની અસરના ભયે ભાજપ તો અગાઉથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓથી દૂર ભાગવા માંગતું હોય તેવી છાપ ઉપસી રહી હતી. ઠીક, તે વખતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એવા બહાના હેઠળ રાજ્ય ચૂંટણી પંચે સૌના આશ્ચર્ય વચ્ચે ચૂંટણીઓને મોકૂફ રાખવાની તથા તબક્કાવાર સમીક્ષા કયર્િ બાદ જ નિર્ણય લેવાની શાહમૃગી નીતિ જાહેર કરી હતી. એ તો આ મામલો કોર્ટના દ્વારે પહોંચતા ન્યાયાધીશે આકરી ટીકા સાથે રાજ્ય ચૂંટણી પંચને તેની બંધારણીય ભૂમિકા યાદ દેવડાવીને કહ્યું હતું કે, તમારી મુખ્ય જવાબદારી તો માત્ર મુક્ત અને ન્યાયી માહોલમાં ચૂંટણીઓ કરાવવાની છે. બીજી ધ્યાનાકર્ષક વાત એ છે કે, ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે તો નોટાના વિકલ્પ્ની વ્યવસ્થા જ માંડી હતી. આ વખતે મતદારોને તે અધિકાર પણ કોર્ટની મધ્યસ્થતાથી જ મળ્યો છે.

વેબદુનિયા પર વાંચો