મતદાનની આકડાની માયાજાળની ગણતરી, શ્રધ્ધાંજલિ સભામાં પણ ઘણા ગેરહાજર રહ્યા

બુધવાર, 25 નવેમ્બર 2015 (11:46 IST)
મ્યુનિ.ની સામાન્ય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયાં બાદ ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો અને હજારો કાર્યકરોએ હળવાશ અનુભવી આખો દિવસ આરામ જ ફરમાવ્યો હતો. રવિવારે મતદાન માટે આખો દિવસ દોડધામ કર્યા બાદ ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો અને કાર્યકરો પોતપોતાના ચૂંટણી કાર્યાલયો ખાતે એકત્ર થયા હતા અને બૂથવાઇઝ મતદાનનાં આંકડા મેળવીને કુલ કેટલા મતદારોએ મતદાન કર્યુ તેની વિગતો તૈયાર કરી હારજીતની સમીક્ષા કરી હતી. આશ્ચર્યજનક રીતે તમામ ઉમેદવારોએ પોતાને જ વધારે મત મળ્યાં હોવાનો અને પોતાની જીત પાક્કી હોવાના દાવા કર્યા હતા.
 
   જોકે નાગરિકોમાં મતદાનને લઇ નિરસતા અને પાટીદાર ફેકટરની ચર્ચા ખાસ તો ભાજપના ઉમેદવારોએ કરી હતી અને તેમાં કેટલીય જગ્યાએ ભાજપના કાર્યકરોમાં જ એવી ચર્ચા ચાલી હતી કે, છેલ્લા દિવસોમાં જે રીતનું વાતાવરણ સર્જાયુ હતું તેનો લાભ લેવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી તે આપણા માટે સારૂ રહ્યું છે. જયારે કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો તો વધારે મતદાનને પોતાની તરફેણમાં જ સમજી રહ્યા છે.
 
   રવિવારે તમામ ઉમેદવારોએ ૯-૧૦ વાગ્યા સુધી ચૂંટણી કાર્યાલયો ખાતે સમીક્ષા કરી અને પછી કાર્યાલયનો સંકેલો કરી લેવા સૂચના આપવામાં આવી હતી. કેટલાય ઉમેદવારોએ તો રવિવાર રાતની સમીક્ષાની કવાયતથી સંતોષ નહિ થતાં સોમવારે પણ વિશ્વાસુ કાર્યકરો સાથે આંકડાઓ ચકાસ્યા હતા. જોકે છેલ્લા કેટલાય દિવસથી દોડધામ કરતાં ઉમેદવારો અને કાર્યકરોએ થાક દૂર કરવા દવા-દારૂનો સહારો પણ લીધો હોવાનું જાણવા મળ્યું છે. લગભગ તમામ ઉમેદવારો અને કાર્યકરોએ આખો દિવસ આરામ ફરમાવવાનું મન બનાવ્યું હતું, પરંતુ ભાજપના કાર્યકરો અને ઉમેદવારોને ટાઉનહોલ ખાતે વિહિપના સ્થાપક સ્વ.અશોક સિંઘલની શ્રધ્ધાંજલિ સભામાં જવાની સૂચના મળી હતી. છતાં ઘણાખરા શ્રધ્ધાંજલિ સભામાં ગયા નહોતા તેમ ત્યાં હાજર કાર્યકરોમાંથી જાણવા મળ્યું છે.
 
   સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ઉમેદવારોએ એકબીજાને ફોન કરીને તમારે ત્યાં કેવુ મતદાન રહ્યું અને પેનલ નીકળશે કે કેમ તેવી પૃચ્છા કરી હતી. લગભગ તમામ ઉમેદવારોએ કશો વાંધો નહિ આવે, નીકળી જવાશે અને કેટલાકે લીડ ઘટશે તેવા જવાબ આપ્યા હતા. તેના અંગે એક કોર્પોરેટરે એવો કટાક્ષ કર્યો હતો કે, કેટલાય વોર્ડમાં મુશ્કેલી છે તેમ છતાં જેને પૂછો તે બધા બહુ સારૂ રહ્યું તેવી જ વાતો કરે છે તે જોતાં તો જમાલપુર અને દાણીલીમડા કે બહેરામપુરાના ભાજપના ઉમેદવારો પણ પેનલ જીતશે તેવો દાવો કરી શકે છે.
 
   બીજી બાજુ મ્યુનિ. ચૂંટણીના કારણે કાર્યકરોને દિવાળી વેકશન માણવાની તક મળી નથી. તેથી મોટાભાગના હજુ શાળા-કોલેજો ૩૦ તારીખે ખુલવાની હોવાથી ફરવા જવાના મૂડમાં છે. પરંતુ ભાજપ નેતાગીરી શહેરના આગેવાનો અને હોદ્દેદારો તથા ઉમેદવારોને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં જોતરવા માંગે છે, તેની સામે શહેરી કાર્યકરો નારાજગી વ્યકત કરી રહ્યા છે અને મોટાભાગના કાર્યકરો ગામડા ખૂંદવા તૈયાર નથી. કાર્યકરોનું કહેવું છે કે, આટલા દિવસથી મ્યુનિ. ચૂંટણી માટે મજૂરી કરી છે તો હવે પરિવારજનો પણ નારાજગી વ્યકત કરી રહયાં છે. તેથી તેમને ફરવા લઇ જવા પડશે અથવા તેમની સાથે રહેવું પડે.
 
   છેલ્લા દસ પંદર દિવસથી વિસ્તારમાં પ્રચાર સહિતની કામગીરી માટે સતત દોડધામ કરનારા ઉમેદવારો અને કાર્યકરો પૈકી ઘણાના ગળા બેસી ગયા છે તો ઘણાના શરીર લેવાઇ ગયા છે. કેટલાયનાં બ્લડપ્રેશર પણ વધી ગયા હતા. કેટલાયને દરરોજ રાત્રે ઊંઘની ગોળી કે થાક દૂર કરવા પેઇન કિલર લેવાની ફરજ પડી હતી. પરંતુ હવે મતદાન પૂર્ણ થયા બાદ તબિયત સુધરવા માંડી છે. જે પરિણામ જાહેર થાય ત્યાં સુધી સારી રહેશે તે નિશ્ચિત છે.

વેબદુનિયા પર વાંચો