ચૂંટણી સ્ટાફ માટે ખુશ ખબર: લોકસભા-ધારાસભાની ચૂંટણી મુજબ મહેનતાણું ચૂકવવા પંચનો નિર્ણય

મંગળવાર, 24 નવેમ્બર 2015 (15:19 IST)
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને મહેનતાણું કયા દરે ચૂકવવું તે અંગે ચાલતી અવઢવ પુરી થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણીપંચના સચિવ મહેશ જોશીના જણાવ્યા મુજબ તમામ સ્ટાફને લોકસભા અને ધારાસભાની ચૂંટણીમાં જે દરે મહેનતાણું ચૂકવવામાં આવ્યું હતું તે દરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેનતાણું ચૂકવવામાં આવશે.
 
રાજ્ય ચૂંટણીપંચે આ અંગે પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેકટરોને મોકલી દેવાયા છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ પોલીસ બંદોબસ્તમાં રોકાયેલા ફોર્સને ઉપરાંત એનસીસી કેડેટ, ઝોનલ ઓફિસર, સેકટર ઓફિસર, સેકટર મેજિસ્ટ્રેટ, ઓબ્ઝર્વર, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, મતદાન મથકો અને મત ગણતરી સ્થળ પર ફરજ બજાવતા કર્મચારીઓ, આ સિવાય પેટ્રોલિંગ, મોબાઈલ વાન અને અન્ય બંદોબસ્તમાં રોકાયેલ સ્ટાફને લોકસભા અને ધારાસભાની ગત ચૂંટણીમાં જે મુજબ મહેનતાણું ચૂકવાયું છે તે મુજબ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેનતાણું ચૂકવાશે.
 
ઓકટોબર-2010 અને ત્યારપછી યોજવામાં આવેલી ચૂંટણીઓમાં જે અધિકારીઓ અને કર્મચારીઓને મહેનતાણાની રકમ ચૂકવવાની બાકી હોય તેને પણ તાત્કાલીક અસરથી મહેનતાણું ચૂકવી દેવા ચૂંટણીતંત્રે આદેશ કર્યો છે. ચૂંટણીપંચના આ પરિપત્રની નકલો શહેર-જિલ્લા ચૂંટણી અધિકારીઓ, કલેકટરો, અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક સહિતનાઓને મોકલવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો