પ્રથમ વખત ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા

સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (09:34 IST)
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ત્રણ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. આ ત્રણ ઉમેદવારોમાં એક હિન્દુ ઉમેદવાર પણ છે. ઓવૈસીએ દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી કૌશિકા બેન પરમાર નામની મહિલાને તેમના પક્ષના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કૌશિકા બેન પરમારની સાથે જ AIMIMના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાનમાં ગુજરાત AIMIMના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાને જમાલપુર-ખાડિયા વિધાનસભાની ટિકીટ આપી છે. કોંગ્રેસ પક્ષના ઈમરાન ખેડાવાલા હાલમાં અમદાવાદના છેવાડે આવેલી આ બેઠક પરથી ધારાસભ્ય છે. મુસ્લિમ-દલિત બહુમતીવાળી આ બેઠક પર સાબિર કાબલીવાલાને ટિકિટ આપવી ઓવૈસીની પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.કૌશિકા બેન પરમાર હાલમાં AIMIMની મહિલા વિંગ અમદાવાદના અધ્યક્ષ છે જેમને વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઓવૈસીની પાર્ટીએ દાણીલીમડા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. શૈલેષ પરમાર પૂર્વ અમદાવાદ સ્થિત દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. આ વિધાનસભા બેઠક પર મુસ્લિમ અને દલિત મતોની સંખ્યા વધુ છે. દાણીલીમડા વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે.ત્રીજા ઉમેદવાર તરીકે વસીમ કુરેશીને સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી AIMIMના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના અરવિંદ રાણા ધારાસભ્ય છે. અસદુદ્દીન ઓવૈસી રવિવારે અમદાવાદમાં હતા. તેમણે અમદાવાદના વિવિધ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણી લડવા જઈ રહી છે. બંને પાર્ટીઓના નેતા છેલ્લા થોડા દિવસોથી સતત ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. ક્યારેક ઓવૈસી તો ક્યારેક કેજરીવાલ પોતાની પાર્ટી અને પોતાના વચનો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ મામલે અસદુદ્દીન ઓવૈસી રવિવારે અમદાવાદ પહોંચ્યા હતા અને તેમની પાર્ટીના ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જેમાં એક હિન્દુ ઉમેદવાર કૌશિકા બેન પરમારનું નામ પણ સામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર