ગાંધીનગર (એજંસી) ગુજરાતના હેટ્રીક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નવી રાજ્ય સરકારના મંત્રીઓની શપથવિધિ 4થી જાન્યુઆરીના શુક્રવારે સવારે ગાંધીનગર ખાતે સચિવાલયના પરિસરમાં યોજાશે. મોદીના નવા મંત્રીમંડળમાં પ્રથમ તબક્કામાં 18થી 20 મંત્રીઓને સ્થાન અપાશે. ગત મંત્રીમંડળના ત્રણેક મંત્રીઓને પડતાં મૂકાય તથા તેમના સ્થાને 5 જેટલા સિનિયર નવા ચહેરાઓને સ્થાન અપાય તેવા સંકેત મળી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ 23મી ડિસેમ્બરે જાહેર થયા બાદ 25મીએ નવી સરકારના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અઢી લાખ જેટલી જનમેદની વચ્ચે શપથગ્રહણ કર્યા હતા. ત્યારથી આજદિન સુધી નવી સરકારના મંત્રીઓ ક્યારે શપથગ્રહણ કરશે એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો.
15મી જાન્યુઆરી, ઉત્તરાયણ પર્વ સુધી કમૂરતા હોવાને કારણે એ પછી જ મંત્રીઓ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે એમ મનાતું હતું. દરમિયાનમાં મુખ્યમંત્રીને જાન્યુઆરીના બીજા સપ્તાહ પછી વિદેશ પ્રવાસ જવાનું હોવાથી ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં જ મંત્રીમંડળના સભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી.
જાણવા મળ્યા મુજબ મુખ્યમંત્રી તરફથી રાજ્યપાલ પાસેથી 4થી જાન્યુઆરીના શુક્રવારના રોજ સવારનો સમય માંગવામાં આવ્યો છે અને સચિવાલયના પાછળના ભાગમાં આવેલા ખુલ્લા મેદાનમાં સાફ-સફાઈ તથા શપથવિધિ માટેનો મંચ તૈયાર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આમ છતાં હજુ કેટલા મંત્રીઓને આ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાશે. તેમાં નવા ચહેરા કેટલા સામેલ હશે ? વગેરે બાબતો માત્ર મુખ્યમંત્રીનો જ અબાધિત અધિકાર હોવાથી અત્યારે રાજકીય સૂત્રો પણ અટકળો જ કરી રહ્યા છે.
PR
P.R
અંત્રે ઉલ્લેખનિય છે કે, 29મી ડિસેમ્બર,07ના રોજ મોદીએ દિલ્હીની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂર્વ વડા પ્રધાન વાજપેયીના આશીર્વાદ મેળવ્યા હતા એ પછી તેમણે ભાજપ હાઈકમાન્ડ સાથે બેઠક યોજીને તેમના નવા મંત્રીમંડળની રચના અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. કોઈ પણ વિધાનસભાની કુલ બેઠકોના 15 ટકાથી વધુ સભ્યોને મંત્રી બનાવી શકાતા નથી.
આથી ગુજરાત વિધાનસભાના કુલ 182 બેઠકો હોવાથી વધુમાં વધુ 27 મંત્રીઓનું મંત્રીમંડળ રચી શકાય તેવી સ્થિતિ છે. વર્તમાન ચૂંટણી વખતે ભાજપે સી.ડી. પટેલ અને હરજીવન પટેલ એમ મંત્રીઓને ટિકિટ આપી ન હતી. જેમને ટિકિટ આપી હતી તેમાંથી 7 મંત્રીઓ ચૂંટણી હારી ગયા હતા. એટલેકે મોદીની ગત સરકારના 9 મંત્રીઓ તો આપોઆપ ઓછા થઈ ગયા છે. એમાં પણ આ વખતે નવા મંત્રીમંડળમાં ત્રણેક સભ્યોને પડતાં મૂકાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે
એટલે મોદીનું નવું મંત્રીમંડળ જૂના-નવા ચહેરા, મહિલાઓ, યુવાનો સાથેનું હશે એમ મનાય છે. ગત સરકારોમાં મંત્રી પદે રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ, નીતિન પટેલ, ફકીરભાઈ વાઘેલા, લીલાધર વાઘેલા, ઉપરાંત પૂર્વ સાંસદ દિલીપ સાંઘાણી તથા મોદીના બાળપણના મિત્ર ગોવિંદ પ્રજાપતિ, કોંગ્રેસ છોડી ભાજપમાંથી ચૂંટણી લડીને જીતેલા નીમાબેન આચાર્ય વગેરેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે તેમજ વિધાનસભાના અધ્યક્ષ પદે પ્રો.મંગળદાસ પટેલના બદલે દિલીપ સંઘાણી, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ સહિતના નામો માટે અટકળો ચાલી રહી છે.