અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે ગાંધીનગર ખાતે મળનારી મીટિંગમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટશે તે સાથે જ મોદીનો સતત ત્રીજી વખત મુખ્યમંત્રી ની ગાદી પર બેસી જશે.
આ અંગેનો નિર્ણય ગાંધીનગર ખાતે આજે મળનારી ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવશે. દરમિયાનમાં ભાજપના સંસદીય બોર્ડે આ પદ માટે મોદીના નામ ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે. રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 'મોદી કરિશ્મા'ની મદદથી સ્પષ્ટ બહુમતીથી વિજયી થયો હતો. 182 બેઠકોમાંથી 117 બેઠકો ભાજપે કબ્જે કરી કોંગ્રેસ અને અસંતુષ્ટો ઉપર સ્પષ્ટ બહુમતી મેળવી હતી.
ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પોતાનું વલણ બદલી નાખ્યું છે અને તેની ઉપર સ્પષ્ટ બોલવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં જીત મેળવ્યા બાદ ભાજપના પ્રવક્તા રવિ શંકરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પક્ષના વિજયના પગલે સીપીઆઈ (એમ)ના જનરલ સેક્રેટરી પ્રકાશ કરાત કદાચ 'શાણા છોકરા'ની જેમ વધુ સહકારી બનશે.
આ ટીપ્પણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ તરફની આભડછેડ અને ભગવા પક્ષના ચૂંટણીમાં દેખાવને લીધે યુપીએ અને ડાબેરીઓ એક થયા હોવા તરફ ઈશારો કરવાનો હતો. પ્રસાદે કહ્યું કે, આ પરિણામો બાદ ભાજપ તરફનો આભડછેડ ધોવાઈ ગયો છે.
પ્રસાદ એમ કહેવા માંગતા હતા કે, ડાબેરીઓ અને ખાસ કરીને કરાત હવે સરકારને ધમકી આપવાનું કરી એક કે બીજા કારણને આગળ ધરી પરમાણું કરારને પસાર થવાની મંજૂરી આપી દેશે.