કેશુબાપા સામે પગલાં ભરાશે

ધર્મેન્દ્ર વ્યાસ

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:51 IST)
W.D
અમદાવાદ(વેબદુનિય) ભાજપના બળવાખોર હરીફ પક્ષ કોંગ્રેસ સાથે સાંઠગાંઠ કરીને પક્ષની ભાવિ તકને નુકસાન કરનારા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની શરૂઆત કરવા માટે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય તેની રાહ જોઈ રહ્યું છે, એમ રાજધાની ખાતેના પક્ષના ટોચના સૂત્રોએ જણાવ્યું છે.

આ સૂત્રોએ જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પોતાની વ્યક્તિગત દુશ્મનાવટના કારણ માત્રથી જ પીઢ નેતા કેશુભાઈ ભાજપ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયા હોવાનું પક્ષે નોંધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષની નેતાગીરીને વિશ્વાસ છે કે, ભાજપની મતબેંકમાં કોઈ મહત્ત્વનું ગાબડું પાડી શકે, તેટલા સમર્થ કેશુભાઈ નથી.

રાજ્યમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાનો પ્રભાવ ખાસ કરીને પટેલ સમુદાયમાં કેટલો છે તેની સ્પષ્ટતા ચૂંટણીનાં પરિણામો કરશે. તેવું નથી કે તમામ પટેલો કેશુભાઈ સાથે જ હોય, કેમ કે ભાજપ સાથે ઘણા પટેલો જોડાયેલા છે, એમ સૂત્રોએ ઉમેર્યું છે.

દરમિયાન, ભાજપની કેન્દ્રીય શિસ્ત સમિતિના અધ્યક્ષ રામભાઉ નાઈકે કેશુભાઈ પટેલ સામે કોઈ પગલાં ભરવાની કવાયતમાંથી પોતે હાથ ધોઈ નાખ્યા છે અને રાજ્ય શિસ્ત સમિતિની કોર્ટમાં દડો ફેંક્યો છે.

પત્રકારો તરફના પ્રશ્નોના મારાનો સામનો કરી રહેલાં રામભાઉ નાઈકે જણાવ્યુ કે કેશુભાઈ પટેલ સામે કોઈ પગલાં ભરાશે નહિ. નાઈકે જણાવ્યું હતું કે, રાજ્ય શિસ્ત સમિતિ દ્વારા તેમની સમક્ષ પગલાં ભરવા સંબંધિત બાબત સોંપવામાં આવે તો તે વ્યક્તિ સામે નોંઘ લઈને કેન્દ્રીય સમિતિ પગલાં ભરે છે અને તે વ્યક્તિ ભાજપ સંસદસભ્ય હોય તો, ભાજપ સંસદીય પક્ષ સૂચિત પગલાં ભરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષમાં તેઓને હાંસિયામાં ધકેલી દેવાશે.

કેશુભાઈ પટેલે છેલ્લા બે દાયકાથી પોતાના કેટલાક વફાદારો સાથે અલગ ચીલો પાડ્યો છે. તાજેતરમાં મોદીને સત્તા પરથી ફેંકી દેવાનો નિર્દેશ કરતી એક મોટી જાહેરાત કેશુભાઈ પટેલના નામે ગુજરાતના દૈનિકપત્રોમાં પ્રસિદ્ધ થતાં રાજ્યમાં રાજકીય ગરમાવો પકડાયો છે.

વેબદુનિયા પર વાંચો