સૌથી વધુ સૂર્યમંદિરો મહેસાણા જિલ્લામાં- વડનગરમાં સૂર્યની સાથે ચંદ્રની મૂર્તિ એક સાથે કંડારવામાં આવી છે.
ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (11:10 IST)
મહેસાણા જિલ્લામાં સૌથી વધુ સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા સાંપડે છે. જેમાં મોઢેરાનું સૂર્ય મંદિર, સરસ્વતી નદીને કિનારે ભાયલ સ્વામી સૂર્ય મંદિર, નુગરનું સૂર્ય મંદિર, પીલુદરાનું સૂર્ય મંદિર, ખેરાલુનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, દવાડાનું સૂર્ય મંદિર, આસોડાનું સૂર્ય મંદિર વગેરેનો ઉલ્લેખ કરી શકાય છે. મહેસાણા જિલ્લામાં શા માટે આટલા બધા સૂર્ય મંદિરો બંધાયા હશે તેની આછેરી ઝલક જોઈએ તો સોલંકીકાળના રાજવીઓના રાજધ્વજ ઉપર કૂકડાનું નિશાન રહેતું હતું. કૂકડો સૂર્યના આગમનને પોકારનાર, અરૂણોદયની આહલેકને જગાવનાર હોવાનું મનાય છે. જો કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તેનું પહેલું કિરણ મોઢેરાના સૂર્ય મંદિરમાં પડતું અને ગર્ભગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિને સ્પર્શ કરતું હશે. મોઢેરાના સૂર્ય મંદિરની વિગતો જોતા પહેલા મહેસાણામાં રચાયેલા સૂર્ય મંદિરો વિશે થોડીક વિગતો મેળવીએ.
ઈ.સ. 1094-1143 સુધીમાં ગુજરાતની ગાદીએ બિરાજમાન સિદ્ધરાજ જયસિેહે સરસ્વતી નદીના કાંઠે ભાયલ સ્વામી સૂર્ય મંદિર બંધાવ્યું હોવાના ઉલ્લેખો મળે છે. પરંતુ આજના બદલાયેલા યુગમાં આ મંદિરના અવશેષો પણ મળે એમ નથી.
મહેસાણાથી આશરે 15 કિમી દૂર આવેલા પીલુદરા ગામે પણ સૂર્ય મંદિર બંધાયું હતું. જેની આગળના ભાગે મુકવામાં આવેલું માત્ર કિર્તી તોરણ જ હાલ હયાતી ધરાવે છે. પુરાતત્વ વિભાગની નોંધ મુજબ અહીં સૂર્ય મંદિર હતું. સૂર્ય મંદિરના અવશેષો કાળની ગર્તામાં ધીરે ધીરે નાશ પાંમ્યા છે.
મહેસાણાથી મોઢેરા જવાના રસ્તે થોડાક કિમી દૂર આવેલા નુગર ગામમાં પણ સૂર્ય મંદિર હતું. આ મંદિર રેતીયા પત્થરોમાંથી બંધાયું છે. મંદિરમાં નરથર, ગજથર, તથા ગવાક્ષમાં સૂર્યની પ્રતિમાઓ જોવા મળે છે. પ્રમાણમાં નાનું છે પરંતુ સૂર્ય મંદિર તરીકે તેનું સ્થાપત્ય સચવાઈ રહ્યું છે. ખેરાલુંમા પણ સૂર્ય મંદિર જોવા મળે છે. અહીંના સૂર્ય મંદિરમાં સફેદ આરસની પ્રતિમા કોતરાયેલી છે. આ સૂર્ય મંદિરની વિશેષતાએ છે કે અહીં સૂર્ય મહારાજ તેમની બે પત્ની સહિત સ્થાપિત થયેલા જોઈ શકાય છે. મહૂડી પાસે આવેલા કોટયર્કનું સૂર્ય મંદિર પણ જાણીતું છે. આ સ્થળ ખડાયતા વણિકોનું યાત્રા સ્થળ છે, જેમાં સૂર્યની પૂજા થાય છે.
વડનગરથી દૂર સ્મશાન તરફ મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં સૂર્યનારાયણની પ્રાચિન વિરાટ મૂર્તિ જોવા મળે છે તેની સાથે ચંદ્રની પણ મૂર્તિ છે આમ સૂર્ય અને ચંદ્ર એક સાથે હોય તેવી સ્થિતી વડનગરના મહાકાલેશ્વર મહાદેવમાં જોઈ શકાય છે. વડનગરમાં અમરથોળ દરવાજા પાસે બહારના ભાગમાં કોટની અંદર કુલ પાંચ મંદિરો પૈકી એક સૂર્ય મંદિર પણ છે. જેમાં સૂર્યના સપ્તાશ્વરૂઢ શીલ્પો કંડારવામાં આવ્યાં છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામે બંધાયેલ સોલંકીકાળના મંદિરોમાં પણ એક સૂર્ય મંદિર છે. પ્રાપ્ત પ્રાચિન વિગતો જોતાં સૌથી વધુ સૂર્ય મંદિરો મહેસાણાની ભૂમી પર રચાયા હોય તેમ જોઈ શકાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર આ સૌમાં એક મહત્વનું શિલ્પસ્થાપત્ય કહી શકાય. ગુજરાતની થોડીક વાત કરીએ તો ગુજરાતમાં થાનનું સૂર્ય મંદિર સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પોળોના સૂર્ય મંદિર નોંધપાત્ર છે.