મુંબઈના સિદ્ધિવિનાયકની જ્યોતથી ઝળહળતું મહેમદાવાદનું સિદ્ધિવિનાયક બાપાનું મંદિર

રવિવાર, 20 સપ્ટેમ્બર 2020 (11:51 IST)
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનનાં દર્શન માટે આવે છે. મહેમદાવાદના આ મંદિરનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. પણ અહીં આવતા ભક્તોને યોગ્ય રીતે દર્શનનો લાભ મળે અને  કોઈ તકલીફ ન પડે તે માટે સતત કામ ચાલતુ રહે છે.


આ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું કે, આ મંદિર તેમના માતા ડાહીબાની શ્રદ્ધા અને ઈચ્છાથી બનાવ્યું છે.આ મંદિરનો શિલાન્યાસ માર્ચ 2011માં કરવામાં આવ્યો હતો. આ મંદિરની ઉંચાઈ 71 ફૂટ અને લંબાઈ 80 ફૂટ છે. મહેમદાવાદના ઈશાન ખૂણામાં વાત્રક નદીના કાંઠે અંદાજીત 2 કરોડ જેટલી માતબર રકમથી આ મંદિરનું નિર્માણ થયું છે.  મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની જ્યોત અહીં લાવવામાં આવી છે અને પ્રતિમા પણ ત્યાંના જ શિલ્પકારોએ તૈયાર કરી છે. 

તેઓ વધુમાં કહે છે કે, આ વિશાળ મંદિરના ભોંયતળિયે 10,000 સ્કવેરફૂટનો સભામંડપ છે. પ્રથમ માળે વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે.

  ભક્તો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે તેથી અવર જવર માટે બે દ્વાર બનાવાયા છે. મંદિરની મધ્યમાં સુંદર બગીચો પણ છે. દેવાધિદેવની પ્રતિમા અને શિલ્પો પણ છે. પરિસરમાં 50 એસટી બસ અને 500 કાર સહિતના મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે તેવી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. મંદિરમાં રૂદ્રાક્ષ, બીલી, કેસૂડો, કદમ, ચંદન, સેવન, પીપળો અને સફેદ ચાંકડાના વ્યાપક વૃક્ષો તથા છોડ નજરે પડતા રહે છે. અમદાવાદથી ડાકોર જવાના રસ્તા પર વાત્રક નદીના કિનારે અંદાજીત 6 લાખ સ્ક્વેરફૂટ જગ્યામાં આ મંદિર બનાવાયું છે. દર મહિનાની સુદ ચોથ અને વદ ચોથના ભજન કીર્તન કરવામાં આવે છે. સ્થાનિક 500 જેટલા યુવાનોની અહીં સિદ્ધિવિનાયક સેના પણ સતત લોકોની સુવિધા અને સગવડ માટે તૈયાર રહે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર