GujaratTourism- લીલીછમ હરિયાળીમાં અડીખમ ઉભેલો નવલખો મહેલ

મંગળવાર, 25 એપ્રિલ 2017 (11:39 IST)
ગુજરાતની ઐતિહાસિક વિરાસત ધરાવતો પોરબંદરના ઘૂમલીમાં આવેલો નવલખો મહેલ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. જેઠવા મંદિરોનો સૌથી સમૃધ્ધ અને મહાન નમૂનો એ ધૂમલીનું નવલખા મંદિર હતું. ગુજરાતભરમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 100-150 ફૂટના પ્લેટફોર્મ ઉપર ઉભું છે. આ વિશાળ જગતી ઉપર ચડવા માટેના પગથિયા પાસે બે વિશાળ સ્તંભો છે.પ્રદક્ષિણા પથયુક્ત ગર્ભગૃહ અને આગળ બે થી ત્રણ મજલાનો મુખ્ય મંડપ છે અને તેમાં પ્રવેશવા માટે ત્રણે બાજું શૃંગાર ચોકીઓ છે તથા મંડપનો મુખ્ય ચોક અષ્ટકોણ છે તથા દરેક સ્તંભ કલાત્મક રીતે કોતરેલો છે. જેમાં કીચકશિલ્પો પણ અપાર વૈવિધ્ય ધરાવે છે.

નાનું ચોરસ ગર્ભગૃહ તેની આજુબાજુની ત્રણ દિશામાંથી પડતી ૩ બારીઓવાળો પ્રદક્ષિણાપથ ધરાવે છે. સામાન્ય મંદિરો કરતા અલગ આ મંદિરની આ એક આગવી વિશિષ્ટતા છે.એક સમયમાં ઘૂમલી એ પોરબંદરની રાજધાની ગણાતી ઘૂમલીમાં પેશવા શાસકોએ નવલખા મહેલનું 11મી સદીમાં 9 લાખનાં ખર્ચૈ નિર્માણ કર્યું હતું. જેથી આ મહલનું નામ નવલખી પડ્યું. કલાનું અદભુત સર્જન આ મહેલમાં કરવામાં આવ્યું છે. વર્ષો પછી પણ આ નવલખા મહેલ અડીખમ જોવા મળી રહ્યો છે જો કે તેનું જતન કરવામાં જવાબદાર તંત્ર નિષ્ફળ રહ્યું છે.સામાન્ય રીતે મંદિરની જેટલી ઉંચાઇ હોય તેનાથી અડધુ શિખર હોય પરંતુ આ નવલખામાં હવે શિખર દોઢ ફુટ જેટલું નીચુ રહી ગયું છે. એટલું જ નહીં, પરંતુ નવલખામાં દસમી સદીના જૂના પથ્થરોની સાથે અત્યારે એકવીસમી સદીના ખાણમાંથી ખોદી કાઢવામાં આવેલા પથ્થરોનું મિક્સિંગ કરવામાં આવ્યું છે. જેથી જૂના અને નવા પથ્થરોનો મેળ ક્યાંય બેસતો નથી. આટલું ઓછું હોય તેમ અમૂક મૂર્તિઓ અને કોતરણીઓ જર્જરીત અને ખંડિત હાલતમાં નવલખાની દિવાલોમાં જડી દેવામાં આવેલી છે.

વેબદુનિયા પર વાંચો