અમદાવાદથી 18 કિમી દૂર આવી જ એક સુંદર વાવ આવેલી છે જેને અડાલજની વાવ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાપત્ય કલા અને સંસ્કૃતિના ઉત્તમ નમૂના સમી આ વાવ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઈ.સ. 1498મા રાણ વીર સિંહે પોતાની પત્ની રાણી રૂપબાને ભેટ આપવા વાવ બંધાવાની શરૂઆત કરી હતી. પણ એક યુદ્ધમાં તેનુ મોત નીપજતા આ વાવ અધૂરી રહી ગઈ. જો કે ત્યારબાદ મહમદ બેગડા રૂપબાની સુંદરતાથી આકર્ષાયો અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. રૂપબા એ જવાબમાં અધુરી વાવને પુરૂ કરવાની શરત રાખી જેને બેગડાએ ઈસ. 1499માં પુરી કરી. પરંતુ રૂપબા તો પતિવ્રતા નારી હતા. આથી તેમને બેગડા સાથે લગ્ન ન કરવા પડે એ માટે આ વાવમાં ઝંપલાવી પોતાની જાનનું બલિદાન આપી દીધુ. જો કે આવી પાંચ કહાનીઓનો સમન્વય આ વાવ પાછળ હોવાનુ મનાય છે. અડાલજની વાવ પાછળની સ્ટોરી કોઈ બોલીવુડની ફિલ્મકથા જેવી જ દિલચસ્પ છે.
રાણા વીર સિંહ અને મહમદ બેગડાનું સ્વપ્ન સમાન આ અડાલજની વાવ હિન્દુ મુસ્લિમ શિલ્પકળાનો સમન્વય છે. જેમા કલ્પવૃક્ષ થી લઈને ફૂલ પાંદડા વેલ માછળી પક્ષી પ્રાણી જેવી આકૃતિઓ કંડારવામા6 આવી છે. પાંચ માળની આ વાવના દરેક સ્તંભ પર અદ્દભૂત કોતરકામ છે. તો બીજી બાજુ મંડપ અને પરિસરમાં હિન્દુ ધર્મની પૂજા લગ્નવિધિ જેવા રીવાજોના પ્રતિબિંબ સમુ સ્થાપત્ય જોવા મળે છે. 3 ઈંચના હાથીથી માંડીને પાણીના કુંજા, નવ ગ્રહો, ભીંત ચિત્રો, નૃત્યાંગનાઓ અને નાટ્યકલાની અવનવી મુદ્રાઓ જોવા મળે છે. અડાલજની વાવનો એક એક ઝરૂખો મોહક છે. જેમા કોઈને પણ રાજા રાણી હોવાનો અહેસાસ જરૂર થાય છે. અષ્ટકોણીય આકાર ધરાવતી અડાલજની વાવ મુખ્ય ચાર સ્તંભ પર બાંધવામાં આવી છે. ચાર રૂમ અને ચાર ખૂણા જે એકબીજાથી 45 ડીગ્રીના ખૂણે બનાવાયેલા છે. દરેક સ્તંભ પર હિન્દુ જૈન ધર્મના દેવી દેવતાની પ્રતિકૃતિ જોવા મળે છે.
ગુજરાતની ઓળખ સમી અડાલજની વાવની ખાસિયત છે કે બહાર કરતા વાવની અંદરના ભાગમાં 5 ડિગ્રી તાપમાન ઓછુ રહે છે. જેથી અહી પ્રવાસીઓને આહલાદક ઠંડકનો અહેસાસ થાય છે. આ વાવ બનાવવાનો વિચાર મોહેંજો દડો અને હડપ્પા સંસ્કૃતિના સ્થાપત્ય પરથી આવ્યો હશે. કારણ કે મોહેં-જો-દડો માં 700થી વધુ આવી પગથીયાવાળા કુવા છે અને વિશાળ બાથરૂમ પણ આવી જ રીતે બનાવાયા હતા.