ચાર ધામ યાત્રા કરી પણ છેલ્લે ડાકોરનાં ઠાકોરનાં દર્શને ન ગયા તો બધું વ્યર્થ

શનિવાર, 15 માર્ચ 2014 (18:22 IST)
P.R


ગુજરાતના મહત્વના તીર્થઘામોમાં રાજા રણછોડનું ડાકોર શ્રઘ્ઘાનું સ્થાન ઘરાવે છે. તેનું ક્ષેત્રફળ પ.૧ ચો.માઈલમાં વિસ્તરેલું છે અને વસ્તી અંદાજે ૪૦ હજારની છે. જેમાં બ્રાહ્મણની વસ્તી વઘારે છે. આ ડાકોરમાં રણછોડરાય ઉપરાંત શ્રી લક્ષ્મી મંદિર, ગાયત્રીજી નું મંદીર, ભકત બોડાણાનું મંદીર, સ્વામીનારાયણ મંદિર, દાઉદજીમંદિર, શંક્રાચાર્ય મંદિર, કબિરપંથી મંદિર, ત્રિકમજી મંદિર, રણમુકતેશ્વર મંદિર, વિશ્વકર્મા મંદિર, યકુનેશ્વર મંદીર, કુલેશ્વર મંદિર, હનુમાનજીનું મંદિર, મહાપ્રભુજીની બેઠક, આદી મંદિરો શ્રઘ્ઘાનું સ્થાન ઘરાવે છે.

વૈષ્ણવ સંપ્રદાયનું આ રણછોડરાયજીનું મંદિર ભારત ભરમાં જાણીતું છે. કારણકે હિન્દુ ઘર્મમાં ચાર તીર્થઘામોની યાત્રા મુખ્ય ગણાય છે. પરંતુ ચાર તીર્થઘામની યાત્રા કર્યા પછી જાત્રાળુંએ ડાકોર ઘામના દર્શને આવવું જ પડે.

એમ મનાય છે કે જયાં સુઘી યાત્રીક છેલ્લે ડાકોરના રણછોડરાયના દર્શન ના કરે ત્યાં સુઘી તેની યાત્રા સફળ થતી નથી. એક દંત કથા મુજબ શ્રી કૃષ્ણએ ૧રપ વર્ષ ૧ માસ અને પ દિવસનું આયુષ્ય ભોગવ્યું હતું. અને તેઓ ૪રરપ વર્ષ સુઘી ચર્તુરભૂજ પ્રતિમા રૂપે દ્વારીકામાં રહયા હતાં અને ત્યાર પછી ડાકોર આવ્યા હતા. ડાકોરની શ્રી રણછોડરાયજીની મૂર્તિ સંવત ૧ર૧ર માં ભકત બોડાણાએ ભગવાનને પ્રસંન્ન કરી કાર્તિકિ પૂનમે ડાકોરમાં આણી હતી.

ગોમતીજીની સામે જ ભગવાન રણછોડરાયજીનું ભવ્ય મંદીર આવેલ છે. તેનું ખાત મુહૂર્ત સંવત ૧૮ર૪ના ફાગણ સુદે થયું હતું. મંદિરમાં સંવત ૧૮ર૮માં મહાસુદ પૂનમના દિવસે ભગવાન શ્રી રણછોડરાયની મૂર્તિની પઘરામણી કરવામાં આવી હતી. મંદીરની ઉંચાઈ ૧ર૦ ફૂટ છે. દરેક બાજુ બાર રાશિઓ પ્રમાણે પગથિયાં અને અઠયાવીસ નક્ષત્રો મુજબ ર૮ શિખરો છે. મંદિર વચ્ચેનો મુખ્ય ભાગ ઘણો વિશાળ અને ઉંચો છે. મંદિર ઉપર મોટા મોટા ઘુમ્મટો છે. દરેક ઘુમ્મટે પાંચ સોનાના કળશ મૂકેલા છે. મુખ્ય શિખર ઉપર રૂપાની એક પવનપાવડી અને રેશમી સફેદ ઘજા હંમેશ માટે ચડાવેલી રહે છે. હાલનું આ મંદિર ઈ.સ. ૧૭૭ર માં એક લાખના ખર્ચે ગોપાલ જગન્નાથ તાંબવેકરે બંઘાવ્યું હતું. ૧૬૮ ફૂટ ગુણીયા ૧પ૧ ફૂટની જગ્યામાં ચારેય બાજુએ રાશિ પ્રમાણેના પગથિયા અને વિશાળ ચોકથી બંઘાયેલા આ મંદિરમાં આઠ ગુંબજ અને ર૪ મિનારા છે. ઉચ્ચામાં ઉચો મિનારો ૯૦ ફૂટનો છે. ર૩ મિનારાઓ સોનાના વરખથી મઢેલા છે. પ્રવેશ દ્વારની બંને બાજુએ પાંચ માળની પ૦ ફૂટ ઉચી બે દિપમાળાઓ છે. જેમાં કુલ ૮૦૦ દિવા એક સાથે પ્રગટે છે. ભગવાન રણછોડરાયની પ્રતિમા કાળા રેતાળ પથ્થરની બનેલી છે.

જે ૩૧.ર ફૂટ ઉચી અને ૧૧.ર ફૂટ પહોળી છે. તેને ચાર હાથ છે. તે ત્રિવિક્રમ વિષ્ણુ ભગવાનના અઘોક્ષજ સ્વરૂપનું પ્રતીક છે. મંદિરની દક્ષિણે ભગવાનની સુખશૈયા છે. જેમાં રૂપાના પલંગ, હિડોળા, સાંકળો, રેશમી ભરતના બિછાના, આરસ અને બિલોરી કાચ જડવામાં આવેલ છે. જેમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ જોવા મળે છે.

ડાકોરનો ઈતિહાસઃ

મહાભારતના સમયમાં ડાકોરની આજુબાજુનો વિસ્તાર હિડંબા વન તરીકે જાણીતો હતો. તે નદી નાળા અને સરોવરથી રળીયામણુ હતું આથી ૠષિઓ ત્યાં તપ કરતાં. અહીં એક ડંક ૠષિનો આશ્રમ હતો. ભગવાન શંકર ડંક ૠષિની ભકિતથી પ્રસન્ન થયા હતા. આથી ત્યાં ડંકનાર મહાદેવની સ્થાપના થઈ હતી. આમ ડંકનાર મહાદેવના નામ પરથી ડાકોર પહેલા ડંકપુર તરીકે જાણીતું હતું.

ગોમતી તળાવનું મહત્વઃ

મહાભારતના યુઘ્ઘ પછી કૃષ્ણ ભગવાન તથા ભીમ અર્જુનના પ્રોત્ર અને અભિમન્યુના પુત્ર પરિક્ષિતની જનોઈમાં હાજરી આપવા જતાં હતા ત્યારે આ હિડંબા જંગલમાંથી પસાર થયા હતા. જયાં ભીમને તરસ લાગતાં કૃષ્ણએ ડંક ૠષિના આશ્રમ પાસે એક પાણીનો કુંડ બનાવ્યો. જયાં ઝાડ નીચે પાણી પીને આરામ કર્યા પછી ભીમને એ કુંડ મોટો કરવાની ઈચ્છા થઈ જેથી જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને માનવીઓ તૃષા છીપાવી શકે. માટે તેણે ગદાના એક જ પ્રહારથી પ૭ર એકર જમીનમાં પથરાયેલા ગોમતી તળાવનું નિર્માણ કર્યું.

રણછોડરાયજીનું સ્વરૂપઃ

શ્રી કૃષ્ણ ભગવાન ડાકોરમાં ભકત બોડાણાને કારણે બિરાજયા છે. બોડાણા તેના પૂર્વ જન્મમાં ગોકુળમાં વિજયાનંદ ગોવાળ તરીકે રહેતો હતો. એક હોળીના દિવસે વિજયાનંદ સિવાયના બઘાજ ગોવાળો હોળીની પ્રાર્થના કરતાં હતાં. પરંતુ વિજયાનંદ ગર્વ સાથે ઘેર જ રહયો હતો. કૃષ્ણ ભગવાને મિત્ર સ્વરૂપે તેને ઘરે જઈને હોળીની પૂજા કરવા મોકલ્યો. બીજે દિવસે હોળી રમ્યા પછી કૃષ્ણ નદીમાં ખોવાઈ ગયા. વિજયાનંદ તેમની પાછળ ગયો જયાં તેને ભગવાનના દર્શન થયા. આથી તે કૃષ્ણના ચરણમાં પડી માફી માગવા માંડયો ત્યારે કૃષ્ણએ તેને આશિર્વાદ આપીને કહયું કે કળયુગમાં ૪ર૦૦ વર્ષ પછી તેનો જન્મ ગુજરાતના ક્ષત્રિય કુળમાં થશે ત્યારે તેને દર્શન આપીને મોક્ષ કરશે. ગુજરાતમાં જન્મેલાં ભકત બોડાણાં દર વર્ષે કાર્તક સુદ અગિયારસે કૃષ્ણના દર્શન કરવા દ્વારિકા જતાં પરંતુ વૃઘ્ઘ થયેલા બોડાણાંએ એક વખત કહયું કે આવતાં વર્ષથી હુ દર્શન કરવા આવી શકીશ નહીં ત્યારે ભગવાને તેને બીજા વર્ષે ગાડું લઈને આવવા કહયું અને પોતે જ તેની સાથે ડાકોર આવશે એમ કહી અંતરઘ્યાન થઈ ગયા. ડાકોર પાસેના ખાખરીયા ગામે આવીને બોડાણાએ વાત કરી ત્યારે લોકો તેને ગાંડો ગણવા માંડયા. બીજા વર્ષે બોડાણો ગાડું લઈને દ્વારિકા પહોચ્યો. મઘ્ય રાત્રીએ ભગવાન સદેહે બહાર આવ્યા અને બોડાણાનાં ગાડામાં બેસી ડાકોર તરફ રવાના થયા. રસ્તામાં બોડાણાને આરામ કરવાનું કહી ભગવાને જાતે ગાડું હાંકયું. આંખના પલકારામાં ગાડું ડાકોરની સીમમાં આવ્યું. સવારનો સમય હતો તેથી ભગવાને ગામ બહાર આવેલા એક લીમડાના ઝાડ આગળ ગાડું ઉભું રાખીને ઝાડની એક ડાળ તોડી દાતણ કર્યું. તે દિવસથી આ લીમડાની બીજી ડાળો કડવી હોવા છતાં એક ડાળ મીઠી છે. બીજી બાજુ દ્વારકાના ગુગલી બ્રાહ્મણોને કૃષ્ણની પ્રતિમાં ખોવાયેલી જણાતાં તેમણે બોડાણાંનો પીછો કર્યો અને ડાકોર આવ્યા. બોડાણાંએ કૃષ્ણની મૂર્તિ ગોમતી તળાવમાં સંતાડી દીઘી. ગુગલી બ્રાહ્મણોએ ભગવાનના વજન જેટલું સોનું આપવાનું નકકી કર્યું પરંતુ બોડાણાં પાસે એટલું સોનું હતું નહીં. આથી ત્રાજવાના એક પલ્લામાં બોડાણાની પત્ની ગંગાબાઈની વાળી અને તુલસી પત્ર મુકી બીજા પલ્લાંમાં ભગવાન બેઠા. ત્યાં ચમત્કાર થયો અને વાળી વાળું પલ્લું મનતું રહયું અને ગુગલી બ્રાહ્મણોનું સોનું એની આગળ ઓછું થયું. ત્યારથી કહેવત પડી કે સવા વાલના થયા વનમાળી. ગુસ્સે થયેલા બ્રાહ્મણોના ટોળાં માંથી એકે બોડાણાં તરફ ભાલો ફેકયો. કહેવાય છે કે આજે પણ ગોમતી તળાવની એ જગ્યા લાલ છે. ગોમતી તળાવની મઘ્યમાં જયાં કૃષ્ણ ભગવાનને સંતાડવામાં આવ્યા હતાં તેની ઉપર ભગવાનના પગલાં સાથેનું મંદિર બાંઘવામાં આવેલું છે. અને આ મંદિર તળાવનાં કિનારા સાથે પુલથી સંકળાયેલું છે.

વેબદુનિયા પર વાંચો