અમદાવાદ

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:16 IST)
અમદાવાદ એટલે ગુજરાતનું આર્થિક પાટનગર. ક્યારેક આશાવલ અને કર્ણાવતી તરીકે ઓળખાતા આ શહેરની સ્થાપના લગભગ ૬૦૦ વર્ષ પહેલા ઈ.સ.૧૪૧૧ માં અહેમદશાહ બાદશાહે કરી હતી. ક્યારેક ભારતના માંચેસ્ટર તરીકે જાણીતું એવું આ શહેર વેપાર, ઉદ્યોગની દ્રષ્ટીએ તો ગુજરાતનું અગ્રણી શહેર છે જ, સાથે સાથે તેને ગુજરાતનું પ્રવાસન પાટનગર પણ કહી શકાય. પ્રવાસીઓ માટે અહીં જાણવાલાયક અને માણવાલાયક સ્થળોનો અદભૂત ખજાનો છૂપાયેલો છે. પછી તે સત્‍યાગ્રહ આશ્રમ , ભદ્રનો કિલ્લો, સિદી સૈયદની જાળી, સરખેજના રોજા, ઝૂલતા મિનારા, કાંકરીયા તળાવ, હઠીસીંગના દેરા, જેવા ઐતિહાસિક સ્થળો હોય કે પછી સાયન્સ સિટી, થ્રીડી આઈમેક્સ થીયેટર, ડ્રાઈવ-ઈન ઓપન એર થીયેટર, ઈસ્કોન મંદિર, બાલવાટીકા, પ્રાણી સંગહાલય, માછલીઘર, વોટરપાર્ક, લો ગાર્ડન જેવા આધુનીક પ્રવાસન સ્થળો. તો ચાલો જાણીએ અને માણીએ અમદાવાદને.

સત્‍યાગ્રહ આશ્રમ : અમદાવાદના ગાંધી આશ્રમને મહાત્મા ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોના કેન્દ્રબિંદુ તેમજ દેશની સ્વતંત્રતા ચળવળના કેન્દ્રબિંદુ તરીકેની ઉપમા આપી શકાય. સાબરમતી નદીના કિનારે આવેલું આ આશ્રમ મહાત્મા ગાંધી જેનો ઉપયોગ કરતા તે બહુમૂલ્ય ચીજવસ્તુઓનું સંગ્રહસ્થાન તો છે જ, સાથે સાથે ગાંધીજીના વિચારોને આત્મસાત્ કરવા માંગતા લોકો માટેનું શ્રદ્ધાધામ પણ ખરૂં. અહીં ગાંધીજીનો ચરખો, ચશ્મા, વસ્ત્રો અને પત્રો સાચવવામાં આવ્યા છે. માત્ર ભારતના જ નહીં વિદેશી પર્યટકો માટે પણ સત્‍યાગ્રહ આશ્રમ આકર્ષણનું કેન્દ્ર છે. અવારનવાર ભારતની રાજકિય મુલાકાતે આવતા વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો પણ અચૂકપણે ગાંધી આશ્રમની મુલાકાત લે છે. મહાત્મા ગાંધીજીએ અહીંથી જ ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજીના સત્‍યાગ્રહ આશ્રમના દર્શન વિના અમદાવાદ દર્શન અધૂરૂ છે.

કાંકરીયા તળાવ : ઈ.સ.૧૪પ૧માં નિર્મીત કાંકરીયા તળાવને અમદાવાદનું જૂનું અને જાણીતું પીકનીક સ્પોટ કહી શકાય. સુલતાન કુતુબુદ્દીને બંધાવેલા આ તળાવની વચ્ચોવચ્ચ આવેલી ઐતિહાસિક નગીના વાડીએ છેલ્લા કેટલાક વર્ષોથી નવું રૂપ ધારણ કર્યુ છે. અહીં રાત્રે યોજાતો મ્યુઝીકલ ફાઉન્ટેન શો લોકપ્રશંસાને પાત્ર બન્યો છે. તે જ રીતે તળાવની ફરતે આવેલા પ્રાણી સંગ્રહાલય, માછલીઘર, બાલવાટીકા, વોટરપાર્ક વગેરે પણ પ્રવાસીઓના આનંદ-ઉત્સાહમાં વધારો કરવા માટે પૂરતા છે. અહીં નૌકાવિહારના શોખીનો માટે બોટીંગની સુવિધા પણ છે.

જામા મસ્જિદ : આમ તો દેશભરમાં અનેક ઐતિહાસિક મસ્જિદો આવેલી છે. પણ તેમાંથી જામા મસ્જિદ તેની સ્થાપત્યકળાને લીધે જુદી જ તરી આવે છે. ૨૬૦ થાંભલા અને ૧પ ડોમનું વિશાળ બાંધકામ ધરાવતી આ મસ્જિદ જૂના અમદાવાદ શહેરની મધ્યે આવેલી છે. સુલતાન અહેમદ શાહે ઈ.સ.૧૪૨૩માં તેનું નિર્માણ કરાવ્યું હતું.

હઠીસીંગના દેરા : અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા હઠીસીંગના દેરા જૈનોના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી વખણાય અને પૂજાય છે. ઈ.સ.૧૮પ૦માં એક જૈન વેપારી દ્રારા તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતુ. શ્રી ધરમનાથને સમર્પિત હઠીસીંગના દેરાનું નિર્માણ શુદ્ધ આરસ માંથી કરવામાં આવ્યું છે. જેને જોઈને કોઈને પણ એવો વિચાર આવ્યા વિના ન રહે કે આશરે દોઢ સદી પહેલા આટલા વિશાળ બાંધકામ માટે આટલો બધો આરસ ક્યાંથી લાવવામાં આવ્યો હશે.

કેલિકો મ્યુઝીયમ : અમદાવાદમાં અનેક મ્યુઝીયમો આવેલા છે. તેમાંથી શ્રેષ્ઠતમ કહી શકાય એવા કેલિકો મ્યુઝીયમમાં વિશ્વના શ્રેષ્ઠ વસ્ત્રોનો ખજાનો સાચવવામાં આવ્યો છે. આ મ્યુઝીયમને વિશ્વના અગ્રગણ્ય ટેક્સટાઈલ મ્યુઝીયમોમાં પણ સ્થાન આપી શકાય. ગુજરાતની કાષ્ઠશિલ્પની પ્રખ્યાત એવી એક હવેલીમાં છેક સત્તરમી શતાબ્દી જેટલા પ્રાચીન અને દુર્લભ કહી શકાય એવા વસ્ત્રો સાચવવામાં આવ્યા છે. આ મ્યુઝીયમમાં વસ્ત્ર ઉદ્યોગ અંગેનું એક ઉત્કૃષ્ઠ સંદર્ભ ગ્રંથાલય પણ આવેલું છે.

વેબદુનિયા પર વાંચો