રાજયના વિધાનસભાની ચૂંટણી આ વર્ષે આવી રહીં છે ત્યારે ભાજપે વિધાનસભાની 182 પૈકી 182 બેઠક મેળવવાનું લક્ષ્ય જાહેર કર્યુ છે. વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારની 122 બેઠકને પ્રભાવિત કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહીં છે.આ પૈકી સૌથી મોટી કહીં શકાય તેવી વગર વ્યાજની રૂ. 3 લાખની શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વિધાનસભા સત્ર દરમિયાન વધારી રહીં હોવાનું સુત્રોનું કહેવું છે.
રાજય સરકાર એવું માને છે કે,ચોમાસામાં જેટલી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે તેટલા ખેડૂતો નાણાંકીય ભીડને કારણે કદાચ શિયાળું કે ઉનાળું પાકમાં ખેતી કરતા નથી. સુત્રોના કહ્યા પ્રમાણે રાજયમાં આશરે 54 લાખ ખેડૂતો છે.આ ખેડૂતો પૈકી 29 લાખ ખેડૂતો ચોમાસામાં શોર્ટ ટર્મ ક્રોપ્સ લોન મેળવે છે,બાકીના 25 લાખ ચોમાસામાં લોન મેળવતા નથી,ચોમાસામાં રાજયમાં 90 લાખ હેકટરમાં કૃષિ થાય છે, જયારે શિયાળામાં આશરે 50 લાખ હેકટરમાં કૃષિ થાય છે,મતલબ કે ચોમાસાની સરખામણીએ શિયાળામાં 40 લાખ હેકટરમાં કૃષિ થતી નથી.ખેડૂતોને નાણાંકીય સહાય કરવામાં આવે તો ચોમાસામાં જે 90 લાખ હેકટરમાં કૃષિ થાય છે આંકડો શિયાળા અ્ને ઉનાળામાં પણ વધે તેમ છે. આથી ખેડૂતોને અત્યારે જે ચોમાસામાં જ શોર્ટ ટર્મ ક્રોપ્સ લોન આપવામાં આવે છે. તેનું કદ અને વિસ્તરણ વધારીને શિયાળું અને ઉનાળામાં પણ લોન આપવામાં આવે તો પાકની વાવણી વધારે હેકટરમાં થશે.શોર્ટ ટર્મ ક્રોપ્સ યોજના ખેડૂતોને રૂ. 3 લાખની લોન 7 ટકા વ્યાજ પેટે આપવામાં આવે છે,પણ 7 ટકા વ્યાજમાં કેન્દ્ર સરકાર 3 ટકા વ્યાજ અ્ને રાજય સરકાર 4 ટકા વ્યાજ ખેડૂત વતી બેંકને ચુકવતી હોવાથી ખેડૂતોને આ લોન વગર વ્યાજની પડે છે.વહીવટી ખર્ચ પેટે 1 ટકો બેંકને ચુકવવામાં આવતા આ યોજનામાં વ્યાજનું ભારણ 8 ટકા છે,પણ ખેડૂતોને વગર વ્યાજની લોન થઇ જાય છે. આ લોન અત્યારે માત્ર ચોમાસું પાક માટે એક વર્ષની મુદતથી અપાય છે. ખેડૂત ચોમાસામાં 3 લાખની લોન મેળવે છે અને બીજા વર્ષે વર્ષ પુરું થાય તે પહેલા 3 લાખ બેકંમાં જમા કરાવે છે અને ફરી લોન મેળવે છે એટલે એકંદેર આ 3 લાખ ખેડૂતને વગર વ્યાજના કાયમી વાપરવા મળે છે.રાજય સરકાર દ્વારા અત્યાર સુધી ચોમાસું પાક માટે અપાતી લોન હવે શિયાળું અને ઉનાળું પાક માટે પણ આપવામાં આવશે. જો કે, કોઇપણ ખેડૂતને વર્ષમાં એક જ વખત 3 લાખની લોન મળશે,પણ જે ખેડૂતો શિયાળું-ઉનાળું પાક માટે લોન લેતા નથી તેવા ખેડૂતોને લાભ મળી રહે તેટલા માટે હવે શિયાળું-ઉનાળું પાક માટે પણ સરકાર લોન આપશે.