ભાજપનો ચૂંટણી ઢંઢેરો Live : ભાજપના સંકલ્પપત્રમાં જાણો શું-શું છે?

શનિવાર, 26 નવેમ્બર 2022 (12:10 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણીઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. ભાજપે તેને સંકલ્પપત્ર નામ આપ્યું છે. આ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. આ સંકલ્પપત્રની જાહેરાત કરતી વખતે ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે આ સંકલ્પપત્ર યુવાનો અને જનતા પાસેથી મેળવાયેલાં સૂચનો પર આધારિત છે.
 
પાટીલે કહ્યું કે ભાજપે અત્યાર સુધીમાં આપેલા તમામ સંકલ્પ પૂરા કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલી અને પાંચ ડિસેમ્બરે ચૂંટણી માટેનું મતદાન છે અને આઠ ડિસેમ્બરે પરિણામ આવવાનું છે.
 
ભાજપના સંકલ્પપત્રમાં શું-શું છે?
 
મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સ હેઠળ રૂ. દસ હજાર કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં 20 હજાર શાળાઓને અપગ્રેડ કરાશે.
કે. કા. શાસ્ત્રી હાયર ઍજ્યુકેશન ટ્રાન્સફૉર્મેશન ફંડ અંતર્ગત રૂ. એક હજાર કરોડના ખર્ચે નવી સરકારી કૉલેજોનું નિર્માણ અને હાલની કૉલેજ યુનિવર્સિટીઓને અદ્યતન બનાવાશે.
ગુજરાતના યુવાનોને આગામી પાંચ વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરાશે.
આઇઆઇટી માફક ચાર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીની સ્થાપના કરાશે.
વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ ક્લાસ સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે.
 
26 નવેમ્બર એટલે કે બંધારણ દિવસે ગુજરાત ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જાહેર કરેલ સંકલ્પપત્રમાં જુદા-જુદા વર્ગો અને ક્ષેત્રોને લઈને ઘણા વચનો આપ્યાં છે.
 
જે પૈકી મુખ્ય નીચે મુજબ છે.
 
ખેતી ક્ષેત્ર - નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ઘણી વખત ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી ચૂક્યા છે.
 
આ જ દિશામાં આગળ વધીને ગુજરાત ભાજપે પણ પોતાના સંકલ્પપત્રમાં ખેડૂતોને સ્પર્શતા કેટલાક મુદ્દા આવર્યા છે.
 
ગુજરાત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે, જે કૃષિવિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (એપીએમસી, વેરહાઉસ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ વગેરે) મજબૂત કરાશે.
25,000 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરાશે. જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉત્તર ગુજરાત વૉટર ગ્રીડ પર વધુ ધ્યાન અપાશે.
પશુધનની સારસંભાળને સુનિશ્ચિત કરવા ગૌશાળા (500 કરોડ રૂપિયાના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરાશે.
એક હજાર એડિશનલ મોબાઇલ વેટરનિટી યુનિટોની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી.
આરોગ્ય ક્ષેત્ર
 
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિ:શુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદાને રૂપિયા દસ લાખ કરાશે.
મુખ્ય મંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લૅબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે રૂ. 110 કરોડના ભંડોળનું નિર્માણ કરાશે.
રૂ. દસ હજાર કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ કરાશે, જેથી ત્રણ નવી સિવિલ મેડિસિટી, બે એઇમ્સ સ્તરની હૉસ્પિટલનું નિર્માણ કરાશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર