અમિત શાહે કહ્યું, ‘હવે આપણને ભવ્ય ઇતિહાસ લખતાં કોણ રોકી શકે?’

શુક્રવાર, 25 નવેમ્બર 2022 (09:29 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સમારોહમાં કહ્યું હતું કે, “ભારતીય ઇતિહાસને વિસંગતતામાંથી મુક્ત કરાવવા માટે તેને ફરીથી લખવો જોઈએ.”
 
તેમણે ઇતિહાસકારોને 30 મહાન ભારતીય સામ્રાજ્યો અને 300 યોદ્ધા પર સંશોધન કરવાની અપીલ પણ કરી છે.
 
અમિત શાહ આસામના અહોમ સામ્રાજ્યના જનરલ લચિત બરકુફનના 400મા જન્મદિવસ પર એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
 
ઇતિહાસને ફરીથી લખવા અંગે ગૃહમંત્રીએ કહ્યું હતું કે,“હું પણ ઇતિહાસનો વિદ્યાર્થી છું. મેં કેટલીય વાર સાંભળ્યું છે કે ઇતિહાસ ખોટી રીતે લખાયો છે.”
 
“આપણો ઇતિહાસ તોડી-મરોડીને લખવામાં આવ્યો છે, પરંતુ આપણા ઇતિહાસને ભવ્ય રીતે લખતાં હવે આપણને કોણ રોકે છે. આપણે પ્રયત્ન કરવા પડશે. આપણે સંશોધન કરવું પડશે અને આપણા ઇતિહાસને ભવ્ય રીતે વિશ્વ સામે રજૂ કરવો પડશે.”
સમારોહમાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “ઇતિહાસને તોડવા-મરોડવા અંગેની ચર્ચામાંથી બહાર નીકળો અને ભારતનાં 30 મોટાં સામ્રાજ્યો અને 300 વ્યક્તિત્વ પર સંશોધન કરો.”
 
તેમણે કહ્યું હતું કે, “તેનાથી નવો ઇતિહાસ બનશે અને અસત્ય જાતે જ દૂર થઈ જશે.”
 
ભાજપ અને ભારતમાં દક્ષિણપંથી વિચારધારાના લોકો ભારતીય ઇતિહાસ અંગે અલગ-અલગ વલણ ધરાવે છે અને ઇતિહાસ ફરીથી લખવા અંગે જાહેરમાં બોલે છે.
 
 
લચિત બરફુકન વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે, “જો લચિત બરફુકન ન હોત તો ભારતનો પૂર્વોત્તર ભાગ ન હોત. તેમણે માત્ર પૂર્વોત્તર ભારતની જ રક્ષા નહીં સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાને ઔરંગઝેબથી બચાવ્યું હતું.”
 
ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને કહ્યું કે, “તેઓ લચિત બરફુકનના જીવન પર લખાયેલાં પુસ્તકો હિન્દી સહિતની દસ ભારતીય ભાષાઓમાં કરાવવા કહ્યું, જેથી બાળકો તેમનાથી પ્રેરિત થઈ શકે.”
 
લચિત બરફુકન આસામના અહોમ સામ્રાજ્યના સેનાપતિ હતા. તેઓએ 17મી સદીમાં આસામમાં મોગલોને હરાવ્યા હતા. બરફુકન આસામનું એક જાણીતું નામ છે અને તેમના વિશે સ્કૂલ-કૉલેજોમાં ભણાવવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર