ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- અલ્પેશ ઠાકોરનું બોર્ડ લાગ્યું- અમારી ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં આપની જરૂર નથી, આવશો તો લીલા તોરણે પાછા જશો

ગુરુવાર, 10 નવેમ્બર 2022 (13:22 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દિલ્હી ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં પાર્ટીના ઈલેક્શન કેન્ડિડેટ્સને લઈને ચર્ચા થઈ. આ બધા વચ્ચે ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. 'ભાવિ મુખ્યમંત્રી' અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણમાં જરૂર ન હોવાના પોસ્ટર લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે. મહત્વનું છે કે, ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે.ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના વિરુદ્ધમાં પોસ્ટર લગાડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જેમાં અલ્પેશ ઠાકોરના ફોટાની નીચે 'ભાવિ મુખ્યમંત્રી શ્રી અલ્પેશજી ઠાકોર (આયાતી ઉમેદવાર)' લખેલું છે.

અને તેની નીચે 'અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે ઘરે જવાની તૈયારી રાખજો.' ઉલ્લેખનીય છે કે, આ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ છે.ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેને લઈને હાલ રાજ્યમાં ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. આ દરમિયાન ઘણા રાજકીય નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. દરમિયાન બનાસકાંઠામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, આ વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પર ઠાકોર સમાજનો વ્યક્તિ હોવો જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર