ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89માંથી 55 સીટો પર જીત નક્કીઃકોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાનો દાવો

શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (15:11 IST)
ભાજપ હારી રહી છે એટલે જ વડાપ્રધાન દોડાદોડ કરી રહ્યાં છેઃ આલોક શર્મા
 
AAPના ઈસુદાન ગઢવીએ 51 સીટો પર જીત મળવાનો દાવો કર્યો હતો
 
 
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89માંથી 55 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પણ મતદાન સમયે જ કહ્યું હતું કે, તેઓ 89માંથી 51 બેઠકો પર જીત મેળવી રહ્યાં છે. 
 
ગુજરાતમાં ભાજપ હારી રહી છેઃ આલોક શર્મા
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ દાવો કરતા જણાવ્યું કે, અમારું આંકલન સ્પષ્ટ છે. પ્રથમ તબક્કાના મતદાનમાં અમારી 55 સીટો આવશે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલોક શર્માએ જણાવ્યું કે, ભાજપ હારી રહી છે એજ કારણ છે કે,  નરેન્દ્ર મોદીએ 30થી 35 સભા અને રોડ શો કરવા પડી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં જોરદાર મતદાન થયું. ભાજપના સુપડા સાફ થશે તે નક્કી. શહેર વિસ્તારમાં પણ કોંગ્રેસને ભરપૂર વોટ મળ્યા છે. 
 
રાજકોટમાંથી કોંગ્રેસને ચાર બેઠકો મળશે
રાજકોટમાંથી કોંગ્રેસને ચાર બેઠકો મળશે તે નક્કી છે.ભાજપના અસંતુષ્ટ નેતાઓનો ફાયદો કોંગ્રેસને મળ્યો છે. આ નેતાઓએ કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું છે. અમિત શાહ ગઈકાલે રાત્રે સૂતા નથી તેમની આંખો લાલ થઈ ગઈ હતી. અને તેઓએ ભાજપના નેતાઓની કલાસ લઈ લીધો છે. સાથે તેઓએ કોંગ્રેસ સરકાર બનાવશે અને કોઈપણ કાર્યકર સીએમ બની શકે તેવો દાવો પણ કર્યો હતો.
 
એક મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા
કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહી છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. 
 
AAPના ઈસુદાને 51 બેઠકો મળવાનો દાવો કર્યો
ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આજે મતદાનનો દિવસ છે. લોકો આમ આદમી પાર્ટીને મત આપી રહ્યાં છે. અમારા આંતરિક સરવે મુજબ આમ આદમી પાર્ટીને પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 51 બેઠકો પર જીત મળી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને તેઓ ખંભાળીયાથી ચૂંટણી લડી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર