શું શંકરસિંહ ખરેખર જાય છે? અમદાવાદમાં લાગેલા પોસ્ટરોમાં બાપુ ગાયબ થયાં?

બુધવાર, 24 મે 2017 (13:09 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકિય પક્ષોમાં અંદરોઅંદરના ડખાએ ભારે માઝા મુકી છે, ભાજપમાં આનંદીબેન પટેલની લોબીને સાઈડ કરવાનું કામ ચાલી રહ્યું હોવાનું સુત્રો જણાવે છે. તો બીજી બાજુ સામાજિક આંદોલનો પણ ભાજપને નડી રહ્યાં છે. આવી જ બાબત કંઈક કોંગ્રેસને નડી રહી છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે એ વાતથી હાઈકમાન્ડ પણ વાકેફ છે. ત્યારે શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના આંતરિક વિખવાદો હવે જાહેરમા પ્રકાશવા લાગ્યાં છે. 

કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇને ‘કૉંગ્રેસ આવે છે’ એવું સૂત્ર જાહેર કર્યું હતું, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ‘બાપુ જાય છે’ની રાજકીય આલમમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા ગેહલોતને આવકારતા પોસ્ટર્સ લગાવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં શંકરસિંહ વાઘેલા એટલે કે બાપુનું નામ કે ફોટો કયાંય ન દેખાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકીય આલમમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે કે શું બાપુ જાય છે?છેલ્લાં કેટલાંય સમયથી કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે ઉડીને આંખે વળગી રહ્યો છે. કૉંગ્રેસે અમદાવાદ શહેરમાં પ્રભારી ગેહલોતને આવકારતા પોસ્ટર્સમાં ભરતસિંહ, ગેહલોત, અને દિનેશ શર્મા સહિતના નેતા પોસ્ટર્સમાં દેખાઇ રહ્યા છે. પરંતુ કૉંગ્રેસના પોસ્ટર્સમાંથી બાપુની બાદબાકી શું સૂચવે છે?અશોક ગેહલોત ગુજરાત કૉંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવા આવી રહ્યા છે ત્યારે આ પ્રકારના પોસ્ટર્સ કંઇક અલગ જ દર્શાવે છે. બીજીબાજુ કૉંગ્રેસના અદિવાસી ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. આજે આઠ જેટલા આદિવાસી ધારાસભ્ય રાહુલ ગાંધી સાથે બેઠક કરશે અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવશે.
 
 
 

વેબદુનિયા પર વાંચો