રાહુલ ગાંધી આવતીકાલે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, જાણી લો કાર્યક્રમ

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (20:44 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તા.11 થી તા.13 નવેમ્બર દરમ્યાન ત્રણ દિવસના ચૂંટણીપ્રવાસમાં રાહુલ ગાંધી ઉત્તર ગુજરાત અને તેના વિવિધ વિસ્તારોને ઘમરોળશે અને તેમના ૪થા ચૂંટણી પ્રવાસના અંતિમ તબક્કામાં કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી રોડ-શો, જાહેરસભા અને લોકસંવાદ યોજી ફરી એકવાર જનતાના દિલ જીતવાનો પ્રયાસ કરશે. તો સાથે સાથે નોટબંધી અને જીએસટીના મુદ્દાઓને લઇ મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો પણ કરશે. આવતીકાલે સવારે ૧૦ વાગ્યે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, તેમને આવકારવા અને સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તૈયારી કરીને બેઠા છે. 
 
એરપોર્ટ પરથી નીકળ્યા બાદ રાહુલ ગાંધી સીધા ઉત્તર ગુજરાતના વિસ્તારોના પ્રવાસે નીકળશે, જેમાં સૌપ્રથમ 10.45 વાગ્યે ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલ ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાશે., સવારે 11:00 વાગ્યે રાહુલ ગાંધીનો છાલા ગામે ખાસ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યાંથી 11:00એ રાહુલ ગાંધી પ્રાંતિજ ખાતે પહોંચશે અને 12 વાગ્યે ત્યાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે કોર્નર મીટીંગ યોજશે. એ પછી બપોરે 1:30 વાગ્યે રાહુલ ગાંધી સાબરકાંઠા જિલ્લાના હિમંતનગર ખાતે મહેતાપુરા ખાતે કોર્નર મીટીંગમાં ભાગ લેશે અને લોકસંવાદ યોજશે. ત્યાંથી તેઓ ઇડર જવા નીકળશે અને બપોરે 2:45 વાગ્યે ઇડરમાં પ્રતાપ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ફરી એકવાર કોર્નર મીટીંગ યોજી લોકોનો મત જાણશે અને તેમની સાથે ચર્ચા કરશે. એ પછી 3:40 મિનિટે તેઓ વડાલી ખાતે પહોંચશે, જયાં તેમનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાશે. જયારે સાંજે 4:15 વાગ્યે ખેડબ્રહ્મા ખાતે રાહુલ ગાંધી એક જાહેરસભાને સંબોધન કરશે અને લોકો સાથે સીધો સંવાદ કરશે. એ પછી સાંજે 6:15 વાગ્યે બનાસકાંઠા જિલ્લાના હાડદ ખાતે અને સાંજે 7:00 વાગ્ય અઁબાજીમાં ડી.કે.ત્રિવેદી સર્કલ ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધી સાંજે અંબાજી માતાના દર્શન કરી પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવશે. રાત્રિ રોકાણ પણ તેઓ અંબાજીમાં જ કરવાના છે. રાહુલ ગાંધીના આવતીકાલના કાર્યક્રમને લઇ ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોએ તડામાર તૈયારીઓ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર