કોંગ્રેસની અનામત આપવાની વાત પર પાટીદાર ધાર્મિક સંસ્થા-આંદોલનકારીઓ આમને સામને

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (13:12 IST)
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પાટીદાર-બિન અનામત વર્ગને અનામત આપવાના વચન સામે પાટીદારોની ધાર્મિક સંસ્થાઓએ સવાલો ઉભા કર્યાં છે. રાજકીય સોદાબાજી ખાતર આંદોલનકારીઓ અને કોંગ્રેસ પાટીદારોમાં ભાગલા પડાવી રહ્યાં છે તેવો આક્ષેપ કરાયો છે. ગંદી રાજનીતિથી આંદોલનકારી-કોંગ્રેસ પાટીદારોમાં ભાગલા પડાવે છે,પાટીદાર ધાર્મિક સંસ્થાઓની બેઠક મળી અમદાવાદમાં ઉમિયામાતા-સિદસર,ખોડલધામ,વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન,ઉમિયામાતા સંસ્થાન-ઉંઝા,સરદાર ધામ સહિતની પાટીદાર ધાર્મિક સંસ્થાઓની એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પાટીદારોને અનામત આપવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બેઠકના અંતે પત્રકાર પરિષદ સંબોધતા પાટીદાર કોર કમિટીના અધ્યક્ષ સી.કે.પટેલે એવો સવાલ ઉભો કર્યો કે, સુપ્રિમકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી હરિશ સાલ્વે એવો મત વ્યક્ત કર્યો છે કે, ૫૦ ટકાથી વધુ અનામતનો લાભ મળી શકે નહીં, તો શા માટે આંદોલન થઇ રહ્યું છે. કોંગ્રેસે કયા આધારે પાટીદારોને અનામતના વચનો આપી રહી તે સમજાતુ નથી. અનામતના બહાને પાટીદારોના નામે રાજકીય પક્ષોને સમર્થન આપવા ધાર્મિક સંસ્થાઓ સંમત નથી. ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે પાટીદારોને આગળ ધરી આંદોલનકારીઓ અને કોંગ્રેસ બંન્ને રાજકીય રોટલો શેકી રહ્યા છે. પાટીદાર ધાર્મિક સંસ્થાઓ શૈક્ષણિક સંકુલો, સામાજીક ભવનો, હોસ્પિટલો થકી સમાજ સેવાના કામો કરે છે. આંદોલનકારીઓના નિર્ણયથી ધાર્મિક સંસ્થાઓ સંમત નથી. વિધાનસભાની ચૂંટણીમાં સમાજના નામે ટિકિટો મેળવી કહેવાતા આંદોલનકારીઓ અંગત રાજકીય સ્વાર્થ ખાટી રહ્યાં છે. વાસ્તવમાં આંદોલનકારીઓ પાટીદારોમાં ભાગલા પડાવી રહ્યાં છે. આમ, ફરી એકવાર પાટીદાર આંદોલનકારી-પાટીદાર ધાર્મિક સંસ્થાઓ આમને સામને આવી ગઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર