રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં અજાણ્યા શખ્સે કરી તોડફોડ

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:25 IST)
શનિવારે રાતે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ પર થયેલા હુમલા બાદ સોમવારે રાતે વધુ એક વખત ભાજપના કહેવાતા કાર્યકર દ્વારા કોંગ્રેસની જાહેરસભામાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવી તોડફોડ કરતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર મિતુલ દોંગાએ જણાવ્યું હતું કે, માડાડુંગર વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં   કોંગ્રેસની જાહેરસભા હતી. પોતે ભાષણ કરીને નીકળી ગયા બાદ કોંગી આગેવાન ગોવિંદભાઇ ભાષણ કરી રહ્યા હતા.

આ સમયે આ જ વિસ્તારનો અને ભાજપનો કહેવાતો કાર્યકર જાદવ દેસુરભાઈ અલગોતર નામનો શખ્સ ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યો હતો અને ગોવિંદભાઇના હાથમાંથી માઇક ઝૂંટવી લઇ સાઉન્ડ સિસ્ટમ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. જેને કારણે સભામાં ઉપસ્થિત મહિલાઓ સહિતનાઓમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, જાહેરસભામાં પોલીસ તેમજ ઇલેકશન કમિશનનો સ્ટાફ પણ હાજર હતો. તેવા જ સમયે અગાઉ હત્યા, ફાયરિંગ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા જાદવે સરાજાહેર આતંક મચાવ્યો હતો. ભયનો માહોલ ફેલાવી જાદવ અલગોતર ત્યાંથી નાસી છૂટ્યાં બાદ કોંગ્રેસના ટેકેદારો તેમજ કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગા સહિતનાઓ આજીડેમ પોલીસમથક દોડી ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર