તો શું ટિકીટની બબાલ બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે થઈ ગયું સમાધાન?

મંગળવાર, 21 નવેમ્બર 2017 (12:06 IST)
ગુજરાતમાં ચૂંટણીને લઈને કોંગ્રેસનું લિસ્ટ જાહેર થતા જ રવિવારે મોડી રાતે પાસ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે સુરતમાં છમકાલા થયા હતા. પાટિદાર અનામત આંદોલન સમિતિના કો-કન્વિનર દિનેશ બાંભણીયાએ  ભરતસિંહ સોલંકિના ઘરે પહોંચીને ઉગ્ર બોલોચાલી કરી હતી.  પાસના કન્વિનર હાર્દિક પટેલ પણ સમગ્ર દિવસ દરમિયાન સંપર્ક વિહોણો રહ્યો હતો. આ મામલે તેણે કોઈ સ્પષ્ટતા કે ટિપ્પણી કરી નહોતી.

હાર્દિકે ઇમોશનલ ટ્વીટ કરીને પોતાના સાથીઓને અપીલ કરી હતી કે ‘આંદોલન અને અનામત માટે જેમણે પોતાનો જીવ આપ્યો છે તેવા યુવાનો માટે કોઇપણ ભોગે આપણે એક થઈ રહેવાનું છે. કોંગ્રેસ દ્વારા ફાળવવામાં આવેલ ટિકિટ અંગે પાસનું અચાનક જ આક્રમક વલણ પાછળ સૂત્રોના જણાવ્યા મુજબ પાસ સુરતના વરાછા વિસ્તારમાં આંદોલનની શરુઆતથી પાસને મદદકર્તા રહેલા ગજેરાને ટિકિટ અપાવવા માગે છે. ગજેરા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી વસંત ગજેરાનો નાનો ભાઈ છે. જેણે પહેલાથી જ હાર્દિક તથા પાસને સપોર્ટ કર્યો છે. જ્યારે સુરતમાં કોંગ્રેસે પ્રફૂલ તોગડીયાને ટિકિટ ફાળવી છે. પ્રફુલ તોગડીયા વિશ્વ હિંદુ પરિષદના પ્રવિણ તોગડિયાનો ભત્રિજો છે.જોકે પફ્રુલ તોગડીયા ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે.  અંતે, કોંગ્રેસ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોના નામમાં ફેરબદલી કરવા તૈયાર થયું હોવાનું કહેવામાં આવે છે જેમાં વરાછા બેઠક પણ સામેલ છે. તેમજ પાસ સાથે સમાધાનકારી વલણ દાખવતા કોંગ્રેસે જુનાગઢમાં પાસના કાર્યકર્તા અમિત ઠુમ્મરને ફાળવેલ ટિકિટ પણ ભિખાભાઈ જોષીને આપવાનું નક્કી કર્યું છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પૂછવામાં આવતા કે પહેલા જાહેર કરેલ 77 ઉમેદવારોના લિસ્ટમાં શું કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. તો તેમણે એટલું જ જણાવ્યું કે ‘અમારી અને પાસ વચ્ચેની વાતચીત સકારાત્મક રહી છે.’ પહેલા એવા પણ અહેવાલ આવ્યા હતા કે કોંગ્રેસ વિખવાદને ટાળવા માટે અને કાર્યકર્તાઓના રોષથી બચવા માટે ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી મેન્ડેટ આપશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર