પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે બળવો,150 થી વધુ રાજીનામાં
શનિવાર, 18 નવેમ્બર 2017 (09:59 IST)
વડોદરાની પાદરા બેઠક પર ધારાસભ્ય દિનેશભાઇ પટેલના નામ ને ફરીવાર ભાજપે રિપીટ કરતા સ્થાનિક સંગઠનમાં બળવો થવા પામ્યો છે. જ્યારે સંગઠન ના અગ્રણીઓ અને હોદ્દેદારો એ આજે જિલ્લા ભાજપ અધ્યક્ષ ને રાજીનામાં સુપરત કરી ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. પાદરા વિધાનસભામાં 1.20 લાખ મતદારો ક્ષત્રિય છે. જેથી સ્થાનિક સંગઠન દ્વારા ક્ષત્રિય ઉમેદવારી ની મંગણી કરવામાં આવી હતી.
કોઈ પણ ક્ષત્રિય ને ઉમેદવારી અપાશે તો તમામ સાથે મળીને કામ કરશે તેવી રજુઆત પાર્લામેન્ટ્રી બોર્ડમાં કરી હતી. પણ આજે જાહેર થયેલી યાદીમાં ધારાસભ્ય દિનેશભાઇ પટેલ ના નામને રિપીટ કરતા ભાજપમાં ભડકો થવા પામ્યો છે. આજે જાહેર થયેલી જિલ્લાની તમામ બેઠકો માં એક પણ ક્ષત્રિય ઉમેદવાર ને ઉમેદવારી આપવામાં આવી નથી. અને પાદરમાં દિનેશભાઇ પટેલ (દિનુમામાં)સામે વિરોધ હોવા છતાંય તેઓને રિપીટ કરતા સંગઠનમાં પાટીદારો અને ક્ષત્રિયો એ ભેગા મળી અને રાજીનામાં ધરી દીધા છે. જિલ્લા સંગઠન ના હોદ્દેદાર ચૈતન્યસિંહ ઝાલા, જીલ્લા પંચાયતના વિપક્ષના નેતા કમલેશ પરમાર,પાટીદાર સંકલન સમિતિ ના અગ્રણીઓ સાથે અનેક કાર્યકરો એ જીલ્લા ભાજપ કાર્યાલય એ રાજીનામાં ધરી દઈને 'જય ભવાની ભાજપ જવાની' ના સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી હતી. અને ક્ષત્રિય ઉમેદવાર ને સીધો ટેકો આપી દઈ ભાજપ ને ડિપોઝીટ ગુલ કરવી દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.