ભાજપે પક્ષના પૂર્વ મંત્રીઓ અને સાંસદો સહિત 24 કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા

શનિવાર, 2 ડિસેમ્બર 2017 (14:53 IST)
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારા કે અપક્ષને ટેકો કરનારા ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહ, ભૂતપૂર્વ સાંસદો કાનજી પટેલ અને ભુપેન્દ્રસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્યો કમાભાઈ રાઠોડ અને બાબુભાઈ ભાભોર સહિત ૨૪ કાર્યકરો- અગ્રણીઓને પક્ષમાંથી હાંકી કઢાયા છે. ભાજપે આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ ૨૪ અગ્રણીઓ- કાર્યકરોએ પક્ષના સત્તાવાર ઉમેદવારો સાથે પક્ષ કે અન્ય પક્ષમાંથી ફોર્મ ભર્યા હતા તે બધાને ઉમેદવારી પાછી ખેંચી લેવા તાકીદ કરાઈ હતી પરંતુ તેમણે તેમ કર્યું નહોતું આવા સંજોગોમાં આ તમામને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી હાંકી કાઢવામાં આવ્યા છે.

આવી જ રીતે ફોર્મ ભરનારા અન્ય કાર્યકરોએ સમજાવટ પછી ફોર્મ પાછા ખેંચી લીધા હતા પરંતુ પ્રથમ તબક્કાની બેઠકોમાંથી ૧૦ જણાએ ઉમેદવારી યથાવત્ રાખી તેથી પ્રદેશ પ્રમુખે કાર્યવાહી કરી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ સાંસદ કાનજી પટેલ ઉપરાંત તેમના પુત્રએ પણ ઉમેદવારી કરી છે તેઓ અનુક્રમે ચીખલી અને ગણદેવી બેઠક પરથી ભાજપ સામે ઉભા રહ્યા છે. કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડવા અપક્ષ ઉમેદવારી કરનારા બિમલ શાહ પૂર્વ વાહન વ્યવહાર મંત્રી છે. કમાભાઈ રાઠોડ ભાજપના સાણંદ બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. પૂર્વ સાંસદ ભુપેન્દ્રસિંહ સોલંકી લુણાવાડા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે એવી જ રીતે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ ભાભોર લીમખેડા બેઠક પરથી ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર