સમાજના હક માટેની લડાઈ લડવામાં સૌનો સાથ મળશે તો તાકાત વધશે - હાર્દિક પટેલ

બુધવાર, 1 નવેમ્બર 2017 (12:13 IST)
સરદાર જયંતી નિમિત્તે મંગળવારે રાત્રે કડીમાં યોજાયેલી થ્રી-ડી સભાને સંબોધતાં હાર્દિક પટેલે જણાવ્યું કે, આ લડાઈ સ્વાભિમાનની છે. સમાજના ભોગે અમારે કોઈના સાથે રહેવું નથી, અમને અનામત જોઈએ બસ એક જ વાત છે.  તંત્રની મંજૂરી વિના 3-ડી સભા યોજાતાં આચારસંહિતાનો ભંગ થતાં તંત્રના અધિકારીઓએ ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મંગળવારે સાંજે નાનીકડી એસપીજી કાર્યાલયથી સ્વાભિમાન બાઈક રેલીને એસપીજી પ્રમુખ લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.

પાલિકા કચેરી, સરદાર પટેલ સોસાયટી અને માર્કેટયાર્ડ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને દૂધ અને પાણીથી સાફ કરી ફુલહાર પહેરાવી જય સરદાર અને જય પાટીદારના નારા લગાવ્યા હતા. રેલી પરત ફરતાં એસપીજી કાર્યાલય સામેના મેદાનમાં હાર્દિક પટેલની 3-ડી સભા યોજાઇ હતી. જેમાં હાર્દિકે પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. નાના મોટા વેપારીઓની જીએસટીના કારણે દયનીય હાલત થઈ છે. જીએસટીની કડીના કોટન અને જિનિંગ ઓઈલમિલ ઉદ્યોગો પર પણ માઠી અસર થઇ છે. અમદાવાદના પાસ કન્વીનર નચીકેત મુખીએ સરદારના નામે રાજકારણ કરવાનું બંધ કરવા જણાવી પાટીદારોને સ્ટેજ પર બેસાડતા એ આવડે છે અને ઉતારતા પણ આવડે તેમ જણાવ્યું હતું.  કડી મામલતદાર પટેલે જણાવ્યું કે, સ્વાભિમાન બાઇક રેલીને મંગળવારે સવારે મંજૂરી આપી છે, પરંતુ હાર્દિક પટેલની 3-ડી સભાને મંજૂરી આપી નથી. તેમ છતાં આયોજકોએ રાત્રે નાનીકડી એસપીજી કાર્યાલય ખાતે સભા યોજી છે. આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવા કવાયત હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી ફરિયાદ નોંધાઇ ન હતી.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર