શંકરસિંહની નારાજગી ખાળવામાં કોંગ્રેસ સફળ, મોટાભાગની માંગણીઓ સંતોષાઈ હોવાનો દાવો

શનિવાર, 27 મે 2017 (12:24 IST)
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાની નારાજગી જગજાહેર થઈ ગઈ છે. તેમની આ નારાજગી ખાળવામાં પ્રભારી નેતાઓ સફળ રહ્યાં હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. બાપુએ કોંગ્રેસ પાસે જે માંગણીઓ કરી હતી તેમાં મોટાભાગની સંતોષાઈ ગઈ છે. તે ઉપરાંત સુત્રો એવો પણ દાવો કરી રહ્યાં છે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કૉંગ્રેસ દ્ગારા શંકરસિંહ વાઘેલાને જ ચૂંટણીની પ્રચાર સમિતિનાં અધ્યક્ષ બનાવામાં આવશે. પરંતુ આ જાહેરાત ચૂંટણીનાં થોડા સમય પહેલાં જ કરવામાં આવશે. કેટલીક માંગણીઓને કૉંગ્રેસ નજરઅંદાજ કરતી હોવાથી બાપુ કૉંગ્રેસથી નરાજ થયા હતા. પરંતુ શુક્રવારે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અને બાપુ સાથે થયેલી મીટીંગ બાદ બાપુની નારાજગી દૂર થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

બાપુની નારાજગી દૂર કરવા એવું સમાધાન કરી વલણ અપનાવવામાં આવ્યું છે કે જેથી બાપુનું માન પણ જળવાય અને કોંગ્રેસ પક્ષની છબી પણ ન ખરડાય. તો બીજી તરફ બાપુનું કદ પક્ષ કરતા મોટું થયું છે તેવું પણ પ્રસ્થાપિત ન થાય. બીજી તરફ બાપુની ઉમેદવારો વહેલા જાહેર કરવાની વાત પણ હાઈકમાન્ડ દ્ગારા સ્વીકારવામાં આવી છે. જેના કારણે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જેના પરિણામે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારીએ પોતાનો પ્રવાસ પણ લંબાવ્યો છે. તો બીજી તરફ બાપુને ફ્રી હેન્ડ આપવાની વાત પણ મહદઅંશે સ્વીકારવામાં આવી છે. જેના ભાગરૂપે બાપુને 182 પૈકી 90થી વધારે બેઠકો અંગેની સંપૂર્ણ સત્તા આપવામાં આવશે. આ બેઠકોનાં ઉમેદવાર, ચૂંટણી પ્રચાર, રણનીતિ વગેરે બાબતોમાં બાપુનાં નિર્ણયમાં કોઈપણ વ્યક્તિ હસ્તક્ષેપ કરશે નહીં. મોટાભાગે આ બેઠકો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની રહેશે. આ તમામ બાબતોને લઈને કોંગ્રેસ અને બાપુ વચ્ચે સમાધાન થયું હોવાનો દાવો સૂત્રો તરફથી કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો