હાર્દિક સીડીકાંડ અંતર્ગત રાજકોટમાં પાસના કાર્યકરોએ કર્યો ભાજપનો વિરોધ
મંગળવાર, 14 નવેમ્બર 2017 (17:32 IST)
હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવતા રાજકોટમાં પાસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ માટે ઇન્દિરા સર્કલ નજીક કેટલાક પાસના કાર્યકરો એકત્રિત થયા હતા અને ભાજપના પૂતળું સળગાવવાની તૈયારી કરી રહ્યાં હતા, જો કે વિરોધ પ્રદર્શન અંગે પોલીસને જાણ થઇ જતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પૂતળું સળગાવતા અટકાવ્યા હતા. આ દરમિયાન પાસના કાર્યકરોને પકડવા પોલીસે દોટ મૂકી હતી જે દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા.
છેલ્લા બે દિવસમાં હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, બીજા બાજુ પાસનું કહેવું છે કે આ પાછળ ભાજપનો હાથ છે. ત્યારે રાજકોટમાં ઇન્દીરા સર્કલ પાસે આવેલા રવિરત્ન ચોક પાસે પાસના કાર્યકરો દ્વારા ભાજપના પૂતળાદહનનો કાર્યક્રય યોજવામાં આવ્યો હતો, જો કે આ અંગે પોલીસને જાણ થતા, પોલીસે પહેલેથી જ સ્થળ પર પહોંચીને દેખાવકારોની અટકાયત કરી હતી, આ દરમિયાન કેટલાક કાર્યકરોએ ભાગવાના પ્રયાસ કર્યો હતો, જેઓને પોલીસે દોટ મૂકી પકડી પાડ્યા હતા.