ટિકિટ ફાળવણીના અસંતોષને શાંત કરવા સંઘના કેટલાક નેતા મેદાનમાં ઉતર્યા
શનિવાર, 25 નવેમ્બર 2017 (12:29 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની 16 અને જિલ્લાની પાંચ મળીને કુલ 21 પૈકીમાંથી ભાજપ માટે ટોપ ગ્રેડની ગણાતી 8થી 10 બેઠકો ખૂબ જ પ્રતિષ્ઠિત છે. જેના માટે દર ચૂંટણીમાં સૌથી વધુ માથાકુટો કરવી પડતી હોય છે. આ ચૂંટણીમાં સ્થિતિ વધુ ખરાબ છે આવી કેટલીક બેઠકો પર કોને ટિકિટ મળશે અને કોને નહિ મળે તેનો નિર્દેશ મળી ગયો હોવાથી અસંતોષ ઉભો થઈ રહ્યો છે. ઉમેદવારની જાહેરાત બાદ વધુ ભડકો ન થાય તે માટે સંઘના કેટલાક નેતાઓએ મેદાનાં આવી ડેમેજ કંટ્રોલનું કામ શરુ કર્યું છે.
વિરમગામમાં ડો. તેજશ્રીબહેન સામે સ્થાનિક કક્ષાએ જબરજસ્ત આક્રોશ: અન્ય દાવેદારોને મનાવવાના પ્રયાસો અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપના કેટલાક આગેવાનો છેલ્લા બે વર્ષથી સખત મહેનત કરતા હતા પરંતુ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતેલા અને ભાજપમાં આવી ગયેલા ડો. તેજશ્રીબહેન પટેલને વિરમગામની ટિકિટ આપવાનો નિર્ણય લેવાઈ ગયો છે. જેથી સ્થાનિક કક્ષાએ રોષ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. ખુદ જ ભાજપના જ આવા અગ્રણીઓએ અને કાર્યકરો 'આયાતી' ઉમેદવારને હરાવવા માટે કામ કરશે એવી ભીતિ ઉભી થઈ છે.આ બધું અટકાવવા માટે ગઈકાલે રાત્રે સંધના અમુક નેતાઓએ વિરમગામ અને બાદમાં વઢવાણ ઝઈને બેઠકો કરી હતી. જેમાં પણ તેજશ્રીબહેનની હાજરીમાં જ તેઓએ જોરદાર વાંધો લીધો હતો. જેને લઈને સંઘના નેતાઓએ પણ હાઇકમાન્ડ સુધી આ વાત પહોંચાડી છે. સૂત્રો જણાવે છે કે તેજશ્રીબહેનને ટિકિટ આપવાનું આમ તો નક્કી જ છે પરંતુ જબરદસ્ત આક્રોશને કારણે ભાજપ હાઇકમાન્ડ ઉતાવળમાં કોઈ નિર્ણય કરવા માંગતું નથી. આ બેઠક માટે અન્ય કોઈ વિકલ્પો બચ્યા છે કે કેમ ? તેની ચર્ચા- વિચારણા ચાલી રહી છે. આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર અથવા તેના પિતા ખોડાભાઈ ચૂંટણી લડે એવી સ્થિતિમાં તેજશ્રીબહેનનું જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં હાઇકમાન્ડ આ બેઠક માટે કોઈ આશ્ચર્યજનક નિર્ણય લે તો નવાઈ નહીં રહે.