મતોના વિભાજન માટે અપક્ષોની ડિમાન્ડ, ૫૦ લાખ સુધીનો ભાવ બોલાયો

ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:32 IST)
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જ અપક્ષોનો જાણે રાફડો ફાટયો છે. ૭૮૮ અપક્ષોએ ચૂંટણીમા ઝૂકાવ્યું છે.  આ વખતે અપક્ષોનો ભાવ રૃા.૫૦ લાખ સુધીનો બોલાયો છે. સામાન્ય રીતે પરિણામ આવે ત્યારે ઘણી એવી બેઠકો હોય છે કે, જયાં માત્ર ૨-૩ હજારના મતોના માર્જીનથી હારજીત થાય છે. આ બેઠકોના પરિણામનુ વિશ્લેષણ કરીએ તો,ખબર પડે કે, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને અપક્ષ ઉમેદવાર નડયો હતો.

અત્યારે એવો ટ્રેન્ડ ચાલ્યો છેકે, વિધાનસભા-મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે જે તે વિસ્તારના જ સામાજીક કાર્યકરો,આગેવાનો ફોર્મ ભરીને અપક્ષ તરીકે ચૂંટણી મેદાને ઉતરી પડે છે. આ ઉપરાંત મતોમાં વિભાજન કરાવવા પણ ભાજપ-કોંગ્રેસ અપક્ષોને ઉમેદવારી કરાવે છે. વિસ્તારમાં પ્રજાકીય કામો થકી થોડાક અંશે પ્રભુત્વ ધરાવનારાં અપક્ષ તરીકે ચૂંટણી લડે તો ૨૦૦-૫૦૦ મતો તો સરળતાથી મેળવી લે છે. એક એક બેઠકમાં દસ દસ અપક્ષો ઉભા રહે તો,બે-ત્રણ હજાર મતોનો ખેલ બગાડી શકે છે. આ જોતાં ભાજપ કે કોંગ્રેસ માટે અપક્ષ જોખમી પુરવાર થઇ શકે છે જેથી ચૂંટણીનું મેદાન છોડાવવા અનેક રાજકીય અખતરાં કરાય છે. જોકે,ચૂંટણીના અંતિમ દિવસોમાં બધોય ખેલ ખેલાય છે જેમાં અપક્ષો દેવુ ભરી દો, મકાન બનાવવુ છે, પુત્રીના લગ્ન છે, કાર અપાવી દો આવી માંગણી કરીને રાજકીય સોદા પાર પાડે છે. આ કારણોસર એક સમયે બે-પાંચ લાખમાં અપક્ષો મળી રહેતાં. તે અપક્ષોનો ભાવ હવે છેકે રૃા.૫૦ લાખ સુધી પહોંચ્યો છે. જેવો વિસ્તાર,એવો ભાવ, જયાં ભારે રસાકસી હોય ત્યાં અપક્ષોની ડિમાન્ડ બોલાય છે. આ વખતે,ભાજપ માટે જોખમ છે એટલે મતોમાં વિભાજન કરાવવા તેમણે અપક્ષોની ખાસ્સી એવી જરૃર છે પરિણામે તેમને અપક્ષોનો ભાવ મોંઘા પડી રહ્યાં છે. અપક્ષો ય દુઝણી ગાયને દોહવાની તક છોડવાના મૂડમાં નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર