આજની બાયડ મુલાકાત રદ કરીને શું શંકરસિંહ વાઘેલા અજ્ઞાતવાસમાં જતાં રહ્યાં?

બુધવાર, 17 મે 2017 (12:10 IST)
ગુજરાત ધારાસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તેમની આજે બાયડની મુલાકાત રદ કરી નાંખી છે અને એક સપ્તાહ સુધી તેઓ વિદેશ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની અચાનક વિદેશ ગયાની ચર્ચાઓ બહાર આવતાં રાજકારણમાં ફરીવાર ગરમી પ્રસરી ગઈ છે. બાપુના વિદેશ પ્રવાસથી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શંકરસિંહ બાપુ સહિત કૉંગ્રેસના 20 ધારાસભ્યો ભાજપામાં જોડાવા માટે તલપાપડ થઇ રહ્યા છે.

આમ ગુજરાત કૉંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ છે. છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ બાપુને લઇને સતત ચર્ચાઓ ચાલી રહી છે. થોડાંક સમય પહેલાં જ બાપુએ જાતે જ કહ્યું હતું કે તેઓ હવે સીએમ પદની રેસમાં નથી, ત્યારબાદ તેમણે એવું કહ્યું હતું કે તેઓને હવે ચૂંટણી લડવામાં નહીં પણ સમાજસેવા કરવામાં રસ છે. તદઉપરાંત થોડાંક દિવસ પહેલાં દિલ્હીમાં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે બાપુની અવગણના કરવામાં આવી હતી તેને લઇને બાપુ નારાજ છે તેવું પણ સૂત્રો કહી રહ્યાં છે.  બે-ત્રણ દિવસ પહેલાં જ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શંકરસિંહ બાપુએ અનફોલો કર્યા હતા અને ભાજપા વિરૂદ્ધ જેટલી પણ ટ્વિટ હતી તે તમામ તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી ડિલીટ કરી દીધી હતી. તેને લઇને પણ ખાસ્સી ચર્ચા જાગી હતી

વેબદુનિયા પર વાંચો