વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ-2017 = આજે આવશે આતુરતાનો અંત.... ભાજપ કે કોંગ્રેસ?

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (05:51 IST)
ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા સસ્પેન્સનો આવતીકાલે અંત આવશે. ગુજરાતમાં સત્તામાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે તેને લઇને હાલમાં તમામ રાજકીય પંડિતો અને રાજ્યના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદથી ઉત્તેજના વધી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને માત્ર ગુજરાતના લોકોની જ નહીં બલ્કે દેશના લોકોની તથા કેટલાક અન્ય દેશોની પણ નજર હતી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આ ચૂંટણી યોજાઈ છે. ભાજપ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી શાસક પક્ષની વિરુદ્ધમાં રહેલા તમામ પરિબળોનો લાભ ઉઠાવીને સત્તા પરિવર્તન માટે તમામ તાકાત લગાવી ચુકી છે. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સમુદાયના આંદોલન તથા સત્તા વિરોધી લહેર, જીએસટી, નોટબંધીને લઇને લોકોની નારાજગી જેવા તમામ મુદ્દા ભાજપની વિરુદ્ધમાં હોવા છતાં આવતીકાલે આ તમામ પરિબળોનો લાભ ઉઠાવી કોંગ્રેસે મતદારોને પોતાની તરફ કર્યા છે કે કેમ તે બાબત પુરવાર થશે. સત્તા પરિવર્તન કે સત્તા પુનરાવર્તનની બાબત ઉપર ચર્ચા જારી છે. આજે  સોમવારના દિવસે 182 બેઠક ઉપર મેદાનમાં રહેલા કુલ 1828 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયાના ભાવિનો પણ ફેંસલો થનાર છે.

ગુજરાતમાં વિધાનસભા બેઠકો ઉપર થયેલા મતદાનની મતગણતરી સોમવારે સવારે 8 વાગ્યાથી શરૃ થશે. રાજ્યભરમાં કુલ 37 સ્થળોએ આ મતગણતરી હાથ ધરાશે અમદાવાદ શહેર જિલ્લાની કુલ 21 બેઠકો માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ તથઆ પોલીટેકનિક એમ ત્રમ સ્થળે મતગણતરી થશે. આવી જ રીતે સુરત અને આણંદ ખાતે બબ્બે સ્થળોએ તેમજ બાકીના તમામ જિલ્લાઓ માટે એક-એક સ્થળે મતગણતરી હાથ ધરાશે. દરેક મતગણતરી કેન્દ્ર ખાતે વધુમાં વધુ 14 ટેબલ લગાવવામાં આવશે અને આ મતગણતરી કેન્દ્ર ઈવીએમ-વીવીપેટના સ્ટ્રોંગ રૃમની એકદમ નજીક રહેશે.
 
આજે અમદાવાદ સહિત રાજયભરના નિયત મતગણતરી કેન્દ્રો પર વિધાનસભા ચૂંટણીના મતદાનની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાનાર છે. અમદાવાદમાં એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજ, પોલીટેકનીક કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાનાર છે. મતગણતરી અને પરિણામોને લઇ રાજકીય પક્ષોના ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેના ચુસ્ત સમર્થક-ટેકેદોરોએ આગોતરા આયોજન કરી રાખ્યા છે. તમામ ઉમેદવારો, તેમના પરિવારજનોની સાથે સાથે તેમના સમર્થકો-ટેકેદારો અને તેમના વિસ્તારના લોકોના દિલના ધબકારા વધી ગયા છે. આજે જાહેર થનારા પરિણામોમાં તેમની જીત થાય તે માટેની પ્રાર્થના-દુઆઓનો દોર ચાલી રહ્યો છે. તો, વળી કેટલાક ઉમેદવારો અને તેના સમર્થક-ટેકેદારોએ તો વિજયપતાકા લહેરાય માટે તે માટે જુદી જુદી બાધા-માનતા પણ રાખી દીધી છે. જેનો વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે તેવા ઉમેદવારો અને સમર્થકોએ તો વિજયયાત્રા-સરઘસ કાઢવાના અને ફટકડા ફોડી ઉજવણી કરવાના આગોતરા આયોજન પણ કરી રાખ્યા છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હોઇ ચૂંટણી રસિયાઓઓ પણ ખાસ તૈયારીઓ કરી છે, ઉત્સાહી ચૂંટણી રસિયાઓએ તો નોકરી અને ધંધા-રોજગારમાં રજા રાખી વહેલી સવારથી જ ટીવી સ્ક્રીન સામે ગોઠવાઇ જઇ લાઇવ રિઝલ્ટની મોજ માણવાનું આયોજન કર્યું છે. ગુજરાતના પરિણામો પર સમગ્ર દેશ અને દુનિયાની નજર મંડાઇ હોઇ આજે તમામ મીડિયા-ચેનલ્સ દ્વારા પરિણામોની પળેપળની માહિતી અને લાઇવ અપડેટ્સ લોકો સુધી પહોંચાડાશે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર