ભાજપે અડવાણી-આનંદીબહેન જેવા વરિષ્ઠ નેતાઓનું પત્તુ કાપી નાંખ્યું

મંગળવાર, 28 નવેમ્બર 2017 (12:50 IST)
ભાજપ તેના વરિષ્ઠ નેતાઓને ક્યારેય યોગ્ય સન્માન આપી શકતું નથી. આ જ કારણ છે કે લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ જેવા અનેક નેતાઓ કે જેમણે ભાજપને ખૂબ જ યોગદાન આપ્યું હોવા છતાં તેમને હાંસિયામાં ધકેલી દીધા છે આવા નિવેદન સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યો છે. આજે સુરજેવાલાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે સવાલો પણ પૂછ્યા છે. જેમાં તેમણે સૌપ્રથમ એવો સવાલ પૂછ્યો છે કે, 'શૌર્ય ડોભાલ-ઇન્ડિયા ફાઉન્ડેશન-ભારત સરકારના ચાર મંત્રિઓની ડાયરેક્ટરશિપ અંગે મૌન શા માટે?

શું ભારત સરકારના એક મંત્રી એવી કોઇ ખાનગી સંસ્થાના ડાયરેક્ટર રહી શકે છે, જે એવી કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપ લે છે જેમને મંત્રીઓના વિભાગ સાથે સંબંધ છે. આ ઉપરાંત જીએસપીસીના રૃ. ૨૦ હજાર કરોડના કૌભાંડ મુદ્દે પણ મૌન શા માટે? નરેન્દ્ર મોદીના નાક નીચેથી રૃ. ૧૯૧૭૬ કરોડનું નુકસાન ભાજપને કેવી રીતે થયું? દેશના ભાગેડૂ લલિત મોદી મુદ્દે પણ ચૂપકિદી શા માટે? સુષ્મા સ્વરાજનાં પતિ સ્વરાજ કૌશલ, તેમની પુત્રી બાંસુરી લાંબા સમય સુધી લલિત મોદીના વકીલ નહોતા? સુષ્મા સ્વરાજે બ્રિટન સરકારને ભલામણ કરીને લલિત મોદીને આંતરરાષ્ટ્રીય યાત્રાના દસ્તાવેજ નથી અપાવ્યા? આ ઉપરાંત વ્યાપમ્, અરૃણાચલ ડેમ કૌભાંડ, પેરાડાઇઝ પેપર્સના મુદ્દે પણ ભાજપ સરકારની ચૂપકિદી દર્શાવે છે કે તેઓ આંખ આડા કાન જ કરવામાં માને છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર