અમિત શાહ જૂનાગઢમાં સભા સંબોધશે અને મોદી 29મીએ ગુજરાતમાં પધારશે

સોમવાર, 12 જૂન 2017 (14:25 IST)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે.અમિત શાહ આગામી સમયમાં ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને 20મી જૂને જૂનાગઢ ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે. આ સભામાં મહાનગર જિલ્લાના હોદ્દેદારો અને પદાધિકારીઓ ભાગ લેશે. અમિત શાહની સભામાં એક લાખથી વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

અમિત શાહની ચાર દિવસીય ગુજરાત મુલાકાતને લઇ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળશે. હાલમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ વધારી રહ્યાં છે ત્યારે ભાજપ અધ્યક્ષની ગુજરાત મુલાકાતને લઇને રાજકીય સમીકરણો બદલાઇ તેવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષને છોડે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચાર દિવસની મુલાકાત તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29-30 જૂને ગુજરાત આવે તેવી શક્યતાઓ વચ્ચે રાજ્યના રાજકારણના સમીકરણોમાં ફરી ફેરફાર જોવા મળે તો નવાઇ નહીં.

વેબદુનિયા પર વાંચો