સાબીર અલીને ભાજપમાં લેવાતા ભાજપના જ નેતાઓ નારાજ

શનિવાર, 29 માર્ચ 2014 (12:03 IST)
P.R


જેડી(યુ)માંથી હાકી કઢાયેલા અને આતંકવાદી ભટકલના મિત્ર સાબીર અલીને શુક્વારે ભાજપમાં લેવાતાં ભાજપના જ આગેવાનોમાં અસંતોષ ફાટી નિકળ્યો છે. ગઇકાલે ભાજપના પ્રથમ હરોળના નેતા મુખ્‍તાર અબ્‍બાસ નકવીએ સાબીર અલીના ભાજપ પ્રવેશ સામે વિરોધ નોંધાવ્‍યા બાદ આજે હવે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે પણ સાબીર અલી જેવી વ્‍યક્તિના ભાજપ પ્રવેશ સામે પ્રશ્‍ન ઉઠાવ્‍યો છે. સંઘનું દબાણ આવતાં ભાજપ હવે તેનો નિર્ણય બદલે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

ટ્વિટ કરીને પોતાનો વિરોધ રજૂ કર્યો

શુક્રવારે ભાજપના મુખ્‍તાર અબ્‍બાસ નકવીએ લખ્યું કે ઇન્‍ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલ સાથે સાબીર અલીને નિકટના સંબંધો છે. તેને આજે ભાજપમાં લેવામાં આવે છે તો કાલે દાઉદને ૫ણ ભાજપમાં આવે તો નવાઇ નહીં. દાઉદ પણ જલ્‍દી ભાજપમાં જોડાઇ જાય અને તેને ટિકિટ પણ આપવામાં આવે તેવું બની શકે છે. સાબીર અલીને ભાજપમાં લેવાથી પાર્ટીની આતંકવાદ સામેની લડાઇ નબળી પડી શકે છે.

ભાજપના અન્‍ય એક નેતા વિનય કટિયારે પણ સાબીર અલીના ભાજપ પ્રવેશ સામે વાંધો ઉઠાવ્‍યો છે. ભાજપે આ નિર્ણય ખુબ ઉતાવળમાં કર્યો હોય તેવું લાગે છે. જે ભવિષ્‍યમાં તેની છબી ખરડી શકે છે. સાબીર અલી જે વિસ્‍તારમાંથી આવે છે ત્‍યાંથી યાસીન ભટકલ ઝડપાયો હતો. આવી વ્‍યકતિ ભાજપમાં જોડાવાથી પાર્ટી માટે સારો સંદેશ જતો નથી.

બીજી બાજ સાબીર અલીએ એવું કહ્યું છે કે મારા પર જે આરોપ લગાવાઇ રહ્યા છે તે જો કોઇ સાબિત કરી આપે તો હું રાજકારણ જ છોડી દઇશ. જો કોઇ મારા અને ભટકલ વચ્‍ચેના સંબંધો હોવાનું સાબિત કરી આપે તો હું રાજકારણ ત્‍યજી દઇશ.

રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રવક્તા રામ માધવે ટ્વિટ કરીને જણાવ્‍યું હતું કે સાબીર અલીને ભાજપમાં લેવાથી ભાજપના જ નેતાઓમાં ભારે અસંતોષ છે. સાબીર અલીના મામલે લોકોમાં અને પાર્ટીમાં જે વિરોધ થઇ રહ્યો છે તે બાબતની સંઘે ભાજપના નેતાઓને જાણ કરી ચર્ચા કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો