મોદી વડાપ્રધાન બનશે તે પછી, સંઘ કે વી.એચ.પી. સામેનો અપપ્રચાર વધવાનો

મંગળવાર, 13 મે 2014 (17:33 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)ની સ્થાપના ૧૯૨૫ની વિજ્યા દશમીએ થઈ અને પ્રૅક્ટિકલી ત્યારથી આજ દિન સુધી સંઘ અનેક ગેરમાન્યતાઓ અને દુષ્ટ પ્રચારોનો ભોગ બનતો આવ્યો છે. સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર લોકમાન્ય ટિળકના ઉગ્ર રાષ્ટ્રવાદના અનુયાયી હતા. ગાંધીજીની ૧૯૨૦ની અસહકારની ચળવળ વખતે તેમ જ ૧૯૩૦ની સવિનય કાનૂન ભંગની ચળવળ સમયે ડૉ. હેડગેવાર જેલમાં પણ ગયા હતા. તેઓ સ્વાતંત્ર્યસેનાની હતા અને સશસ્ત્ર ક્રાંતિના પ્રયાસોની અસફળતા વિશે એમણે ઊંડું ચિંતન કર્યું હતું. ખિલાફતની ચળવળના પડઘા રૂપે ૧૯૨૪માં કાનપુર તથા કલકત્તામાં જે મુસ્લિમ દંગાઓ થયા તેના તેઓ સાક્ષી હતા. ધર્મના આધારે દેશનું વિભાજન કરવા સામેની સ્પષ્ટ ચેતવણી ડૉ. હેડગેવારે એ ગાળામાં લખેલી એક લેખમાળામાં ઉચ્ચારી હતી. અંગ્રેજ શાસન દરમ્યાન ક્યારેય સંઘ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો નહોતો. પણ ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા બાદ, સંઘનો આ હત્યામાં જરા સરખો પણ હિસ્સો ન હોવા છતાં, કૉન્ગ્રેસ સરકારે સંઘ પર પ્રતિબંધ લાદ્યો એનું કારણ હતું.

"સંઘની સ્થાપનાના દસેક વર્ષ બાદ, ૧૯૩૫ના અરસામાં સંઘ ગાંધીજીની વિરુદ્ધ છે એવી છાપ ઊભી કરવામાં આવી. કૉન્ગ્રેસીઓએ ગાંધીજીની અહિંસાની ભાવનાનું તદ્દન વિકૃત અર્થઘટન કરી નાખ્યું હતું. કૉન્ગ્રેસ પાસે સંઘ જેવી જ પોતાની એક સંસ્થા હતી - કૉન્ગ્રેસ સેવા દળ. આ સેવા દળના ગણવેશધારી સ્વયંસેવકોનું કામ રહેતું - કૉન્ગ્રેસના વાર્ષિક અધિવેશનની વ્યવસ્થા સંભાળવી, નેતાઓને પાણી પિવડાવવું, શેતરંજી બિછાવવી, નેતાઓના આગમન સમયે એમને ગાર્ડ ઑફ ઑનરની સલામી આપવી વગેરે. સંઘના સ્વયંસેવકો પણ ગણવેશધારી હતા, સંમેલનોમાં વ્યવસ્થા સંભાળતા, સિનિયર સ્વયંસેવકોની નાની મોટી સગવડો સાચવતા. બહારથી બેઉ સંસ્થાઓનો ઢાંચો જાણે એકસરખો હતો. એટલે કૉન્ગ્રેસે માની લીધું કે સંઘ પણ વિચારશૂન્ય અને સામાન્ય માણસોનું એક સાદું-નગણ્ય સંગઠન છે. અને ગાંધીજીના અહિંસાના આદર્શની ખિલાફ છે, કારણ કે સંઘમાં શારીરિક ચુસ્તી, વ્યાયામ વગેરેનું ઘણું મહત્ત્વ છે.

હકીકત જુદી હતી. સંઘમાં પ્રારંભથી જ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાના વિચારોનો અભ્યાસ કરાવવામાં આવતો. ભારતના ઈતિહાસને ભારતની દૃષ્ટિએ જોતાં શીખવાડવામાં આવતું. સંઘમાં પ્રખર બુદ્ધિજીવીઓ અને પોતપોતાના ક્ષેત્રમાં નિપુણ એવા પ્રોફેશનલ્સ પણ જોડાતા જેઓ પોતાના સિનિયરોની ચાપલુસી કરવામાં માનતા નહીં અને સિનિયર સ્વયંસેવકો પણ એવી નમાલી વર્તણૂકની અપેક્ષા રાખતા નહીં. કૉન્ગ્રેસના કલ્ચર કરતાં સંઘનું વાતાવરણ આ દૃષ્ટિએ તદ્દન વેગળું હતું.

આ તમામ પાસાંનું પરિણામ એ આવ્યું કે કૉન્ગ્રેસમાં ઘૂસી ગયેલા સામ્યવાદીઓ અને સમાજવાદીઓ સંઘને બદનામ કરવાની પ્રવૃત્તિમાં લાગી ગયા. આ જ સામ્યવાદીઓએ એક જમાનામાં ગાંધીજીને અંગ્રેજોના એજન્ટ અને સુભાષચંદ્ર બોઝને ફાસિસ્ટ કહ્યા હતા. એ સામ્યવાદીઓ હવે સંઘને જર્મનીની નાઝી પાર્ટી સાથે સરખાવવા લાગ્યા અને ડૉ. હેગડેવારની કાર્યપદ્ધતિની પ્રેરણા હિટલરમાંથી આવે છે એવો પ્રચાર કરવા લાગ્યા.

એ જમાનો ગાંધીયુગ હતો. ગાંધીજી સામેના વિચારોને તત્કાલીન મીડિયા દબાવી દેતું અથવા ઓછું પ્રાધાન્ય આપતું. ગાંધીજીની અંગત લાઈફની ન કહેવા જેવી વાતો જો ક્યાંક પ્રગટ થઈ જતી તો તે તરત દબાવી દેવામાં આવતી. ગાંધીજીનો એક સ્ત્રી માટેનો પ્રેમ તેમ જ એમના સેક્સના પ્રયોગોનું ડૉક્યુમેન્ટેશન ઝનૂનપૂર્વક ભૂંસી નાખવાના પ્રયાસો થતા. ગાંધી આશ્રમોમાં ચાલતા નાણાકીય ગોટાળાઓ, વ્યવસ્થાપકીય વિખવાદો તેમ જ બદચલનભરી વર્તણૂકોની વાતો બહુ ઓછી બહાર આવતી.

આવા વાતાવરણમાં અહિંસા એટલે નમાલાપણું નહીં અને "માતૃભૂમિની-રાષ્ટ્રની સુરક્ષા કરવી હશે તો દેશ બહારના આક્રાંતાઓ સામે હિંસક બનીને લડવું પડશે એવું કોઈ કહે તો એનું આવી જ બને, એને ઉપાડીને ‘નાત બહાર’ ફેંકી દેવામાં આવે. સંઘ સાથે પણ કંઈક એવું જ બન્યું. સંઘની રાષ્ટ્ર ભાવનાને ગાંધીજીની લડતના વિરોધમાં ખપાવી દેવામાં આવી. સંઘના ભારતીય સંસ્કૃતિની પરંપરા માટેના આગ્રહને ઍન્ટી-મુસ્લિમ વિચારધારામાં ખપાવી દેવામાં આવી. આવું કરવામાં સામ્યવાદી શક્તિઓનો મોટો હાથ હતો. સામ્યવાદી આંદોલનને વિશ્ર્વના કમ્યુનિસ્ટ દેશો પાસેથી ભંડોળ મળતું. સામ્યવાદીઓ પાસે પોતાની વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે વિશાળ પ્રસાર સાહિત્ય તથા પ્રચાર માધ્યમો હતાં અને આ બધા માટે ચિક્કાર આર્થિક સાધનો પણ હતાં.

કમનસીબે સંઘ પાસે આવી નાણાકીય શક્તિ નહોતી. સંઘ પોતાની વિચારધારા કે પોતાનાં કાર્યોના પ્રચારમાં માનતું નહીં. સંઘનું નેતૃત્વ પણ પોતાને પ્રજા સમક્ષ પ્રકાશમાં લાવવાની ખિલાફ હતું. સંઘ કાર્યમાં માનતો, પ્રચારમાં નહીં. આને કારણે એક બાજુ સંઘની ખુશ્બુ જનસામાન્ય સુધી પહોંચવામાં વાર લાગતી તો બીજી બાજુ સંઘ કોઈ ખુફિયા કાર્ય કરતો હોય એવી છાપ ઊભી થતી.

પાર્ટિશન વખતના હિંદુ-મુસ્લિમ રમખાણોમાં સરકારી મશીનરીને બાદ કરતાં બિનસરકારી સંસ્થાઓએ જે સેવાકાર્યો કર્યા તેમાં સંઘનો ફાળો સૌથી વધારે હતો. સંઘની આ તાકાત જોઈને કૉન્ગ્રેસ ફફડી ગઈ હતી, સામ્યવાદીઓ ચોંકી ગયા હતા અને એટલે જ ગાંધી હત્યાના કમનસીબ બનાવ પછી સંઘ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો જે બે વર્ષ પછી ઉઠાવી લેવામાં આવ્યો.

"આઝાદી પહેલાં અને પછી, અત્યાર સુધી દેશમાં જ્યારે જ્યારે ભૂકંપ, પૂર, દુકાળ જેવી કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે સૌથી વધારે સેવાકાર્યો આર.એસ.એસ.ના સ્વયંસેવકોએ કર્યાં છે. આમ છતાં ભારતમાં સૌથી વધુ બદનામ એવી જો કોઈ એક એન.જી.ઓ. (નૉન ગવર્નમન્ટ્લ ઑર્ગેનાઈઝેશન) કે સેવાભાવી સંસ્થા હોય તો તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ.

આનું મુખ્ય કારણ કૉન્ગ્રેસ અને તેના મળતિયા પ્રચાર માધ્યમો. આજની અંગ્રેજી શિક્ષિત નવી પેઢીને તમે સંઘ વિશે પૂછશો તો એના મનમાં સંઘ વિશે નકારાત્મક વિચારો જ હશે. એનું કારણ એ કે વિદેશી નાણાંથી પ્રભાવિત થયેલાં સામ્યવાદી વિચારધારા પ્રસરાવતાં પ્રચાર માધ્યમોએ સતત સંઘ સામે ઝેરીલો પ્રચાર કર્યો છે, હકીકતોને તોડીમરોડીને એ હદ સુધી ભારતની નવી પેઢીનું બ્રેઈનવૉશ કરી નાખ્યું છે કે સંઘ સાથે સહાનુભૂતિ ધરાવતા સામાન્ય નાગરિકો પણ જાહેરમાં સંઘનો પક્ષ લેતાં અચકાય છે.

૧૬મી મે પછી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે તે પછી, સંઘ કે વી.એચ.પી. જેવી સંસ્થાઓ સામેનો અપપ્રચાર વધવાનો. નરેન્દ્ર મોદીના વિરોધીઓ એમને બદનામ કરવા માટે સંઘનો ઉપયોગ કરવાના. આવા સંજોગોમાં સંઘની જવાબદારી બને છે કે જેમ મોદીએ ધીરજપૂર્વક મીડિયામાંના પોતાના માટેના અપપ્રચારનો સામનો કરીને એ જ મીડિયાને પોતાની હથેળીમાંથી ખાતું કરી દીધું એ જ રીતે સંઘ પણ આ જ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની સિદ્ધિઓને પ્રજા સુધી પહોંચાડે. પ્રસિદ્ધિ મેળવવાની દોટમાં ન પડવું એનો અર્થ એ નથી કે પોતાની સિદ્ધિઓને પ્રચાર માધ્યમો દ્વારા લોકો સુધી ન પહોંચાડવી.

છેલ્લા દાયકાઓમાં, વિશેષ કરીને છેલ્લા સવા-દોઢ દાયકામાં સંઘની કાર્યપદ્ધતિ બદલાઈ છે, આધુનિક બની છે. આ આધુનિક પવનમાં પાંગરી રહેલી સંઘની પ્રવૃત્તિઓ માટે હવે, કેટલાંક વિઘ્નો પછી, સાનુકૂળ વાતાવરણ આવી રહ્યું છે. સંઘે આનો પૂરેપૂરો લાભ ઊઠાવવો જોઈએ.

વેબદુનિયા પર વાંચો