તોગડિયા મોદી-ભાજપનાં રસ્તામાં કાંટા ઉગાડી રહ્યા છે?

બુધવાર, 23 એપ્રિલ 2014 (15:27 IST)
વિશ્વ હિન્‍દુ પરિષદના વિવાદીત નેતા પ્રવિણ તોગડિયાએ કરેલા ભડકાઉ ભાષણે ચૂંટણી જંગ દરમિયાન ભાજપની મુશ્‍કેલી વધારી દીધી છે. સૌનો સાથ, સૌનો વિકાસના નારા સાથે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપની તોગડિયાના આ નિવેદન બાબતે જવાબ આપવો ભારે થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી પોતાના જીવનની સૌથી મોટી રાજકીય લડાઇ લડી રહ્યા છે અને તેમના પુર્વ સહયોગી પ્રવિણ તોગડિયા તેમના ગૃહ રાજય અને અન્‍ય સ્‍થળોએ સાંપ્રદાયિક ધ્રુવીકરણ વેગવંતી કરવામાં લાગ્‍યા છે. તેનાથી એવુ ચર્ચાય છે કે, શું તોગડિયા મોદીની રાહમાં કાંટા બિછાવી રહ્યા છે ?

   ગુજરાતના ભાવનગરમાં પ્રવિણ તોગડિયાએ કરેલા વિવાદાસ્‍પદ નિવેદને ગુજરાતથી લઇને દિલ્‍હી સુધીના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો અને મુસ્‍લિમ સંગઠનોએ ભાજપ સહિત સંઘ પરિવાર વિરૂધ્‍ધ સિયાસી તલવાર ખેંચી લીધી છે.

   વિહિપના ઇન્‍ટરનેશનલ સેક્રેટરી ગુજરાતમાં ર૦૦ર સુધી મોદી સાથે સારા સંબંધો ધરાવતા હતા. ર૦૦રમાં મોદી સત્તા ઉપર પાછા ફર્યા તે પછી બંને વચ્‍ચે મતભેદો ઉભા થયા અને પછી કદી મળ્‍યા નથી. મોદીએ ગુજરાતમાં વિહિપની ભુમિકા ઘણી સિમીત કરી દીધી હતી જો કે તોગડિયા હાર માનવાવાળા વ્‍યકિત નથી. સંઘે બંને વચ્‍ચે સંબંધો સુધારવા પ્રયાસો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. ર૦૦૯ પછી મોદી અને વિહિપ વચ્‍ચેનું  અંતર ઘણુ વધી ગયુ હતુ.

   ભાવનગરમાં ડો.તોગડિયાએ કરેલા મુસ્‍લિમ વિરોધી નિવેદનથી ભાજપ પણ ખળભળી ઉઠયુ છે. ભાજપના કેટલાક નેતાઓમાં એવુ ચર્ચાય છે કે, શું તોગડિયા જાણી જોઇને ભાજપ અને મોદી આડે કાંટા બિછાવી રહ્યા છે ? ભાજપ જયારે હકારાત્‍મક એજન્‍ડા લઇને આગળ વધી રહ્યુ છે ત્‍યારે આ પ્રકારના નિવેદનો તેની મુશ્‍કેલીમાં વધારો કરી શકે છે. ભાજપ એવુ પણ માને છે કે, જો નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બની જાય તો તેઓ હિન્‍દુત્‍વને ફરી આગળ કરશે તેવુ કહેવાનો મોકો ટીકાકારોને મળી જશે. હાલ ભાજપે આ બાબતે મૌન સેવી લીધુ છે પરંતુ ભાજપના નેતાઓ અંદરથી ખળભળી ઉઠયા છે.

  ગયા વર્ષે જયારે મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવાયા ત્‍યારે તોગડિયાએ સંઘના વડા મોહન ભાગવતને જણાવ્‍યુ હતુ કે મોદીને આગળ કરીને તેઓ ઘણી મોટી ભુલ કરી રહ્યા છે. જો કે સંઘે તેમની વાત માની ન હતી. વિહિપમાં પણ મોદીના મામલે બેમત જણાય છે. અશોક સિંઘલ સહિતના નેતાઓ મોદીને પડખે છે તો અન્‍યો તેમનો વિરોધ કરી રહ્યા છે. કુંભમેળા દરમિયાન તોગડિયા સાથે મંચ ઉપર બેસવા વિહિપે આપેલા આમંત્રણનો પણ મોદીએ અસ્‍વીકાર કર્યો હતો. તે વખતે મોદીના નજીકના વર્તુળોએ જણાવ્‍યુ હતુ કે, મોદી વિકાસનો એજન્‍ડા આગળ વધારવા માંગે છે તેથી તેઓ એવો સંદેશ નથી આપવા માંગતા કે તેઓ હિન્‍દુત્‍વના મુદ્દાને આગળ કરી રહ્યા છે.

   ગઇકાલે રાજકીય માહોલ ગરમી પકડતા ભાજપે તોગડિયાના નિવેદનથી પોતાની જાતને દુર રાખી હતી. ભાજપે કહ્યુ હતુ કે તોગડિયા પક્ષના સભ્‍ય નથી. જયારે ડેમેજ કંટ્રોલમાં લાગેલ વિહિપે તોગડિયાના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્‍યુ હોવાનું જણાવ્‍યુ હતુ.  આ ચૂંટણીમાં ભાજપનો પ્રયાસ છે કે ચૂંટણીને વિકાસ અને સુશાસનના મુદ્દા સુધી સિમિત રાખવામાં આવે કે જેથી લઘુમતિઓ અને ખાસ કરીને મુસ્‍લિમ સમૂદાય ચૂંટણીમાં તેમની વિરૂધ્‍ધ ન જાય પરંતુ તોગડિયા જેવા લોકોના વિવાદીત નિવેદનોથી ભાજપની ચૂંટણી રણનીતિ સંકટમાં પડતી દેખાય રહી છે. મુસ્‍લિમ ધર્મગુરૂઓએ તોગડિયાની ટીકા કરી છે. મુકિત મુકર્રમે તોગડિયાની ધરપકડની માંગણી કરી છે.
 

વેબદુનિયા પર વાંચો