શિક્ષિત મતદારોએ ચાર-પાંચ ચોપડી ભણેલા સાંસદોને ચૂંટવા પડશે

શુક્રવાર, 18 એપ્રિલ 2014 (14:46 IST)
લોકસભાની ચૂંટણીમાં શિક્ષણની વાતો કરીને નેતાઓ મતદારો સમક્ષ મગરના આંસુ સારતાં હોય છે પણ રાજકીય પક્ષો ખુદ શિક્ષિત ઉમેદવારોને ટિકિટ આપવાનું ટાળે છે પરિણામે ઓછુ ભણેલા સંસદસભ્યો ચૂંટાઇ આવે છે. મતદારો આજકાલ વિચારમાં મુકાયાં છે હવે કરવું શું . તેમાંયે ત્રણ-પાંચ ને સાત એમ લોકો જાહેરમાં કટાક્ષમાં કહેતાં ફરે છે. મોબાઇલ ફોનમાં યે ૩-૫-૭ના એસએમએસ ફરતાં થયાં છે.
 
કોઇ અજાણ્યાંને તો આ વિશે ગતાગમ પડે નહિ પણ મતદારો આ વાંચીને તરત જ સમજી જાય છેકે, આ તો ઉમેદવારની વાત છે. રાજ્યની આ એવી કદાચ પ્રથમ બેઠક હશે જયાં કોંગ્રેસ, ભાજપ જ નહિ પણ આપના ઉમેદવાર પણ ચાર-પાંચ ચોપડી પાસ છે. મતદારોએ એ વાતને મુંગામોંઢે સ્વિકારી લીધું છેકે, મત કોઇપણ પક્ષના ઉમેદવારને આપો,ચાર-પાંચ ચોપડી પાસ સંસદસભ્ય ચૂંટાવવાના છે.
 
સુરેન્દ્રનગરની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ પટેલ કે જેઓ પાંચ ચોપડી પાસ છે. તેઓ વિરમગામ તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ-૫ સુધી ભણ્યાં છે જયારે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા રાજકોટ નજીકના કણકોટ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ- ૩ સુધી અભ્યાસ કર્યો છે. યોગાનુયોગ એવુ બન્યું છે કે, આપના ઉમેદવાર જેઠાભાઇ મનજીભાઇ પટેલ પણ માત્ર સાત ચોપડી જ પાસ છે. તેઓએ ભૂજના નખત્રાણા તાલુકાના સાયરા ગામની પ્રાથમિક શાળામાં સાત ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
 
કહેવું કોને કે, શિક્ષિત મતદારોએ પ્રાથમિક શિક્ષણ ભણેલાને સાંસદ તરીકે ચૂંટવાનાં, એટલું ચોક્કસ છે કે , સુરેન્દ્રનગરના મતદારોને ઉમેદવારીની પસંદગીને લઇને ભાજપ-કોંગ્રેસ અને આપની માનસિકતાનો અંદાજ આવી ગયો છે. અત્યારે તો સમગ્ર વિસ્તારમાં એક જ વાત છે છે ત્રણ,ચાર ને સાત

વેબદુનિયા પર વાંચો